મુંબઈ
વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે, સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટ, આર્કિટેક્ચર અને ડિઝાઇન ફોટોગ્રાફીમાં છ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરી રહી છે. ફોટોગ્રાફીમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ તેમજ કલાના શોખ ધરાવતા વિદ્યાર્થીઓ માટે રચાયેલ આ કોર્સનું ઉદ્ઘાટન ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ચંદ્રકાંત દાદા પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું.
‘એડવાન્સ્ડ ફોટોગ્રાફી (આઉટડોર’) નામના આ કોર્સ માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત ૧૦મું ધોરણ પાસ હોવી જરૂરી છે. છ મહિના સુધી ચાલતા આ વર્ગો મંગળવાર અને ગુરુવારે સાંજે ૪:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી યોજાશે. આ કોર્સની ફી ₹૨૫,૦૦૦ રાખવામાં આવી છે.
સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટ, આર્કિટેક્ચર અને ડિઝાઇન ‘ડી-નોવો’ શ્રેણી હેઠળ ‘ડીમ્ડ-ટુ-બી યુનિવર્સિટી’નો દરજ્જો ધરાવે છે; આ કોર્ષ વિદ્યાર્થીઓને વ્યવહારુ ફોટોગ્રાફીનો અનુભવ મેળવવા અને તેમની કુશળતા વિકસાવવાની તક આપે છે.
રસ ધરાવતા ઉમેદવારોએ સર જે.જે. સ્કૂલ ઓફ ડિઝાઇન, ડૉ. ડી.એન. રોડ, ફોર્ટ, મુંબઈનો સંપર્ક કરવો જોઈએ. વધુ માહિતી માટે, 022-25172175 નંબર પર સંપર્ક કરી શકાય છે.
આ કાર્યક્રમમાં સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટ, આર્કિટેક્ચર અને ડિઝાઇનના કુલપતિ ડૉ. હિમ ચેટર્જી; મહારાષ્ટ્ર રાજ્યના કલા નિયામક ડૉ. કિશોર ઇંગ્લે; મહારાષ્ટ્ર રાજ્ય કલા શિક્ષણ બોર્ડના નિયામક વિનોદ દાંડગે; તેમજ સંબંધિત અધિકારીઓ, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

