મુંબઈ પ્રતિનિધી, કલ્યાણ એન્ટી-નાર્કોટિક્સ સ્ક્વોડે મોટી કાર્યવાહી કરીને ૨૧ લાખ ૪૦ હજાર રૂપિયાનો ૧૦૭ કિલો ગાંજો જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે ત્રણ દાણચોરોની ધરપકડ કરી છે.
ધરપકડ કરાયેલા આરોપીઓના નામ વસીમ ખાન ઉર્ફે પિલા, દિનેશ કુમાર અને મોહિત વર્મા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગારો છે અને તેમની સામે અગાઉ પણ ડ્રગ્સ હેરાફેરીના ગુનાઓ નોંધાયેલા છે.
ગુપ્ત માહિતીના આધારે ગોઠવાયું હતું છટકું
પ્રાપ્ત માહિતી અનુસાર, એન્ટી-નાર્કોટિક્સ સ્ક્વોડને ગુપ્ત માહિતી મળી હતી કે ખડકપાડા પોલીસ સ્ટેશનની હદમાં ડ્રગ્સનું ખરીદ-વેચાણ થવાનું છે.
તેના આધારે સહાયક પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ ગાયકવાડ અને સબ-ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર થોકેની ટીમે વાડેઘર વિસ્તારમાં વાડેકર ડમ્પિંગ ગ્રાઉન્ડ નજીક છટકું ગોઠવ્યું હતું.
ભાગવાનો પ્રયાસ કર્યો, પોલીસે ઝડપી પાડ્યા
દરમિયાન, ત્રણ લોકો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસે તેમને રોકીને પૂછપરછ કરતા તેમની પાસે લીલા અને સફેદ રંગની બોરીઓ મળી આવી હતી.
પોલીસની શંકા વધુ ગાઢ બનતા આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણેયને કાબૂમાં લીધા હતા.
તપાસ દરમિયાન તેમની પાસેથી કુલ ૧૦૭ કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કિંમત અંદાજે ૨૧ લાખ ૪૦ હજાર રૂપિયા હોવાનું કહેવાય છે.
મોટા ડ્રગ્સ રેકેટની સંભાવના, તપાસ તેજ
પોલીસે આ કેસમાં મોટા ડ્રગ્સ રેકેટની સંભાવના વ્યક્ત કરી છે.
નાયબ પોલીસ કમિશનર અતુલ ઝેન્ડેએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલો ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને સપ્લાય થવાનો હતો અને આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર કોણ છે તે અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
