મુંબઈ પ્રતિનિધી, મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એનસીપી (શરદ પવાર જૂથ) ની સાંસદ સુપ્રિયા સુલેની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી સામે આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને કારમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો સુરક્ષિત હોવાનું જણાવાયું છે.
આ અકસ્માત મુંબઈથી પુણે જતાં માર્ગ પર થયો હતો. અકસ્માત બાદ સુપ્રિયા સુલેએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને ઘટનાની માહિતી આપી હતી.
બેદરકાર ડ્રાઇવરે કારને મારી ટક્કર
સુપ્રિયા સુલેએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે પુણેથી મુંબઈ જતી વખતે હાઇવે પર એક બેદરકાર ડ્રાઇવરે તેમની કારને બાજુમાંથી જોરદાર ટક્કર મારી હતી.
તેમણે જણાવ્યું કે સદનસીબે તમામ લોકો સુરક્ષિત છે, પરંતુ આવી ઘટનાઓ રસ્તા પર વધતી બેદરકારી અને ઓવરસ્પીડિંગ અંગે ગંભીર ચિંતા ઉભી કરે છે.
“સીટ બેલ્ટ પહેરો, જવાબદારીપૂર્વક વાહન ચલાવો”
સુપ્રિયા સુલેએ લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ પણ કરી હતી.
તેમણે જણાવ્યું કે દરેક વ્યક્તિએ સીટ બેલ્ટ પહેરવી જોઈએ, સાવધાનીપૂર્વક વાહન ચલાવવું જોઈએ અને હાઇવે પર જવાબદારીપૂર્વક ડ્રાઇવિંગ કરવું જોઈએ જેથી રસ્તાઓ વધુ સુરક્ષિત બની શકે.
કારને થયું નજીવું નુકસાન
પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતમાં સુપ્રિયા સુલેની કારને નજીવું નુકસાન થયું છે. જોકે, ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી.
અકસ્માત બાદ સુરક્ષા ટીમ અને સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર અકસ્માતોની ચિંતા યથાવત
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ગંભીર અકસ્માતો થયા છે. ટ્રાફિક નિયમોના ભંગ, વધુ ગતિ અને બેદરકારીના કારણે વારંવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહી છે.
તાજેતરમાં જ એક્સપ્રેસ વે પર કનેક્ટ લિંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, છતાં માર્ગ સુરક્ષાનો મુદ્દો હજુ પણ ગંભીર ચિંતા તરીકે સામે આવી રહ્યો છે.
આ હાઇવે પર થયેલા અનેક અકસ્માતોમાં મોટી જાનહાનિ પણ થઈ ચૂકી છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની માંગ ઉઠી રહી છે.
