મુંબઈ પ્રતિનિધી, તા. ૧૨: પુણેના કુખ્યાત બુધવાર પેઠ રેડ લાઇટ વિસ્તારમાં ફરાસખાના પોલીસે મધરાતે જોરદાર કોમ્બિંગ ઓપરેશન ચલાવી મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતી પાંચ બાંગ્લાદેશી મહિલાઓને કસ્ટડીમાં લેવામાં આવી હતી.
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સાથે જ પુણે પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે દેશમાં રહેતા વિદેશી નાગરિકો સામે શરૂ કરાયેલા અભિયાનને વધુ ગતિ મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રાત્રે ૧ વાગ્યાથી સવારે ૯ વાગ્યા સુધી ઓપરેશન
પુણે શહેર પોલીસ કમિશનર અમિતેશ કુમારના નિર્દેશ પર શહેરમાં ગેરકાયદેસર વિદેશી નાગરિકો સામે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
તે અંતર્ગત ફરાસખાના પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પ્રશાંત ભસ્મેના માર્ગદર્શન હેઠળ બુધવાર પેઠ વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું.
પોલીસ ટીમે રાત્રે ૧ વાગ્યાથી લઈને સવારે ૯ વાગ્યા સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
‘મેચબોક્સ બિલ્ડિંગ’ પરથી મળ્યો ગુપ્ત ઈનપુટ
કાર્યવાહી દરમિયાન પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અરવિંદ શિંદેને ગુપ્ત માહિતી મળી હતી કે બુધવાર પેઠના ‘મેચબોક્સ બિલ્ડિંગ’ વિસ્તારમાં કેટલીક મહિલાઓ ગેરકાયદેસર રીતે રહે છે.
માહિતી મળતાં જ પોલીસે તરત જ દરોડો પાડ્યો અને સ્થળ પરથી પાંચ મહિલાઓને કસ્ટડીમાં લીધી હતી.
પૂછપરછમાં થયો મોટો ખુલાસો
પોલીસ પૂછપરછ દરમિયાન મહિલાઓએ બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે મહિલાઓ બુધવાર પેઠ વિસ્તારમાં વેશ્યાવૃત્તિ કરીને ગુજરાન ચલાવી રહી હતી.
પોલીસને તેમની પાસેથી બાંગ્લાદેશી ઓળખ સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજો અને પુરાવા પણ મળ્યા હોવાનું જણાવાયું છે.
છેલ્લા ૧૧ મહિનામાં ૯૪ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા
પુણે પોલીસના આંકડા મુજબ, છેલ્લા ૧૧ મહિનામાં શહેરમાંથી ગેરકાયદેસર રીતે રહેતા કુલ ૯૪ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.
શહેરમાં વધી રહેલી ગેરકાયદેસર ઘૂસણખોરી અને ખોટા દસ્તાવેજોના નેટવર્કને લઈને પોલીસ હવે વધુ સતર્ક બની છે.
ફોરેનર્સ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ
પોલીસે તમામ મહિલાઓ સામે ફોરેનર્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
હવે તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે આ મહિલાઓને પુણે સુધી કોણ લાવ્યું, તેઓ કેટલા સમયથી અહીં રહેતી હતી અને પાછળ કોઈ મોટું રેકેટ કાર્યરત છે કે નહીં.
