મુંબઈ પ્રતિનિધી: મુંબઈની પ્રખ્યાત તાજમહેલ પેલેસ અને ટ્રાઇડેન્ટ હોટલને આતંકવાદી હુમલાની ધમકી મળતા શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એલર્ટ મોડ પર આવી ગઈ હતી અને બંને હોટલોમાં ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ધમકીભર્યા કોલ બાદ સુરક્ષા વ્યવસ્થા કડક
મુંબઈ પોલીસે આપેલી માહિતી મુજબ, એક અજાણ્યા વ્યક્તિએ તાજમહેલ પેલેસ અને ટ્રાઇડેન્ટ હોટલમાં ફોન કરીને આતંકવાદી હુમલાની ધમકી આપી હતી. કોલ કરનાર યુવકે બંને હોટલને નિશાન બનાવવાની વાત કરી હતી.
ધમકીભર્યો કોલ મળતા જ હોટલ મેનેજમેન્ટે તાત્કાલિક મુંબઈ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બંને હોટલોમાં સુરક્ષા વધારી દીધી હતી અને મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.
સાયન વિસ્તારમાંથી શંકાસ્પદ યુવકની અટકાયત
ઘટનાની તપાસ દરમિયાન પોલીસે કોલ કરનાર વ્યક્તિનું લોકેશન ટ્રેસ કર્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે ધમકી આપનાર યુવક મુંબઈનો જ રહેવાસી છે.
મુંબઈ પોલીસે સાયન વિસ્તારમાંથી શંકાસ્પદ યુવકની ધરપકડ કરી છે. હાલ પોલીસે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે અને ધમકી પાછળનો હેતુ શું હતો તે જાણવા પ્રયાસ કરી રહી છે.
દારૂના નશામાં કર્યો હતો કોલ
પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આરોપીએ દારૂના નશામાં ધમકીભર્યો ફોન કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી કૌટુંબિક સમસ્યાઓને કારણે માનસિક તણાવમાં હતો. આ કારણે તેણે આ પ્રકારનું આત્યંતિક પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી હાઉસકીપિંગ કર્મચારી તરીકે કામ કરે છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
