મુંબઈ પ્રતિનિધી, ડોમ્બિવલી શહેરમાંથી પિતા-પુત્રીના સંબંધને કલંકિત કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. માનપાડા પોલીસે પોતાની બે સગી પુત્રીઓનું જાતીય શોષણ કર્યાના આરોપસર એક વ્યક્તિની ધરપકડ કરી છે. ઘટનાના પગલે વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે.
૧૦ વર્ષની બાળકી સાથે શોષણનો મામલો આવ્યો સામે
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, આરોપી વ્યવસાયે સુથાર છે અને તેને ચાર પુત્રીઓ છે. તેમાંની એક પુત્રી ૧૯ વર્ષની છે જ્યારે બીજી ૧૦ વર્ષની સગીર બાળકી છે.
તાજેતરમાં ૧૦ વર્ષની બાળકી સાથે જાતીય શોષણની ઘટના સામે આવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરતાં જાણવા મળ્યું કે આરોપીએ આશરે એક વર્ષ પહેલાં ૧૯ વર્ષની પુત્રી સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો.
જાગૃત નાગરિકોની જાણ બાદ પોલીસની કાર્યવાહી
આ સમગ્ર મામલાની જાણ કેટલાક જાગૃત નાગરિકોને થતાં તેમણે તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો.
માહિતી મળતાં જ માનપાડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપી પિતાની ધરપકડ કરી હતી.
અન્ય પુત્રીઓ સાથે પણ દુર્વ્યવહાર થયો કે નહીં? તપાસ શરૂ
પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપીએ તેની અન્ય પુત્રીઓ સાથે પણ આવું જ કૃત્ય કર્યું છે કે નહીં.
સાથે જ સમગ્ર મામલે છોકરીઓની માતાની ભૂમિકાની પણ વિવિધ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે.
વિસ્તારમાં રોષ, કડક કાર્યવાહીની માંગ
આ ઘટના સામે આવતા ડોમ્બિવલી વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો છે. સ્થાનિક લોકો અને સામાજિક સંગઠનો દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
માનપાડા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
