મુંબઈ પ્રતિનિધી. તા. ૧૬
સોલાપુરના પંઢરપુરમાં એક ભયાનક અકસ્માત થયો, જ્યારે એક પિકઅપ વાહન કૂવામાં પડી ગયુ હતુ.. પિકઅપમાં કુલ ૧૪ લોકો હતા, જેમાંથી ૮ લોકોના મોત થયા છે. જ્યારે છ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પંઢરપુરના તંદૂરવાડી ગામ પાસે થયેલા અકસ્માતમાં મૃતકોના નામની યાદી સામે આવી છે. મૃતકોમાં ૬ મહિનાનું બાળક પણ શામેલ છે.
સોલાપુરના મ્હસવડ-પંઢરપુર રોડ પર તંદૂરવાડી ગામ પાસે એક ભયાનક અકસ્માત થયો જ્યારે એક પિકઅપ વાહન કૂવામાં પડી ગયુ હતુ.. આ અકસ્માતમાં ૮ લોકોના મોત થયા. મૃતકો પંઢરપુરના રંજાણી ગામના રહેવાસી હતા. ભક્તો મ્હસવડના સિદ્ધનાથ મંદિરમાં દર્શન કરવા ગયા હતા. સિદ્ધનાથ મંદિરના દર્શન કર્યા પછી પોતાના ગામ પરત ફરતી વખતે ભક્તોનું પિકઅપ અકસ્માતનો ભોગ બન્યું.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ‘એક્સ’ પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘સોલાપુરના માલશિરસ તાલુકાના તાંદલવાડી ખાતે એક ખાનગી ખેતરમાં વાહન કુવામાં પડી જવાથી કેટલાક શ્રદ્ધાળુઓના મોતની ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે. હું તેમને મારી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અમે તેમના પરિવારોના દુઃખમાં સહભાગી છીએ.
આ અકસ્માતમાંથી ૭ લોકોના જીવ બચી ગયા છે. તેમની સારવાર કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક બંને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થયા છે. તેઓ સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે. રાજ્ય સરકાર આ ઘટનામાં મૃતકોના વારસદારોને ૫ લાખ રૂપિયાની નાણાકીય સહાય આપશે,’ મુખ્યમંત્રીએ જાહેરાત કરી.
સોલાપુર જિલ્લા કલેક્ટર એસ કાર્તિકીએ પંઢરપુર-મહસવડ હાઇવે પર અકસ્માત સ્થળની મુલાકાત લીધી અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે, તેમણે અકસ્માતની ત્રણ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા કલેક્ટર કાર્તિકીએ માહિતી આપી કે સોલાપુર જિલ્લામાં રસ્તાની બાજુમાં ઘણા કુવાઓ છે. તે કુવાઓનો સર્વે કર્યા પછી, તે કુવાઓ માટે રક્ષણાત્મક દિવાલો લગાવવા માટે સૂચનાઓ આપવામાં આવશે.

