કુણાલ કામરા અને પ્રકાશ રાજ સામે ગુનો દાખલ કરો ! – હિંદુ જનજાગૃતિ સમિતિ અને સર્વોચ્ચ ન્યાયાલયના વકીલોની માંગ
નવી દિલ્હી : જંતર-મંતર ખાતે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) અને સોનમ વાંગચુકના નેતૃત્વમાં NEET પરીક્ષાના પ્રશ્ન વિશે ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનમાં ખુલ્લેઆમ હિંદુ ધર્મનું અપમાન અને દેશવિરોધી ઉશ્કેરણી કરવામાં આવતી હોવાની આઘાતજનક બાબત સામે આવી છે. આની સામે આજે સર્વોચ્ચ ન્યાયાલયના વકીલો અને ‘હિંદુ જનજાગૃતિ સમિતિ’ના સંયુક્ત પ્રતિનિધિમંડળે નવી દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે અને કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે.
સંસદ માર્ગ પોલીસ સ્ટેશનના એસએચઓ (SHO) ને રૂબરૂ મળીને આ આવેદનપત્ર આપવામાં આવ્યું. આ પ્રતિનિધિમંડળમાં સર્વોચ્ચ ન્યાયાલયના ધારાશાસ્ત્રી મકરંદ અડકર, ધારાશાસ્ત્રી અમિતા સચદેવા, ધારાશાસ્ત્રી અતુલ શર્મા, ધારાશાસ્ત્રી મયંક દ્વિવેદી, ધારાશાસ્ત્રી કેશરી સત્યા, ધારાશાસ્ત્રી પાર્થ યાદવ, ધારાશાસ્ત્રી યાદવેંદ્ર સક્સેના સહિત હિંદુ જનજાગૃતિ સમિતિના દિલ્હી રાજ્ય સમન્વયક શ્રી. કાર્તિક સાળુંખે અને શ્રી. શ્રીરામ લુકતુકે સહભાગી હતા.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ મંચ પરથી ‘‘આ સરકાર ઘણા વર્ષોથી સીતાના પતિનું (રામનું) નામ લઈને નીતાના પતિનું (મુકેશ અંબાણીનું) કામ કરી રહી છે,’’ એવું અત્યંત અપમાનજનક વિધાન કરીને ૧૦૦ કરોડ હિંદુઓની લાગણી દુભાવી છે. આંદોલનના મંચ પરથી એક મહિલાએ ‘‘સબ બુત ઉઠવાયે જાયેંગે… બસ નામ રહેગા અલ્લાહ કા’’ (તમામ મૂર્તિઓ હટાવી દેવાશે અને માત્ર અલ્લાહનું નામ રહેશે) એ પાકિસ્તાની કવિ ફૈઝ અહેમદ ફૈઝનું ભડકાઉ ગીત ગાયું હતું. આ સીધો મૂર્તિપૂજક હિંદુ ધર્મ પર હુમલો છે. આ મંચ પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન ‘સિમી’ (SIMI) સાથે સંકળાયેલા અને દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદના પિતા સૈયદ કાસિમ રસૂલ ઇલિયાસ પણ ઉપસ્થિત હતા. આ ઉપરાંત, અભિનેતા પ્રકાશ રાજ મંચ પરથી ‘અમને આતંકવાદી કે પાકિસ્તાની કહે તોય પરવા નથી,’ તેમ કહીને યુવાનોને વ્યવસ્થા સામે વિદ્રોહ અને બળવો કરવા માટે ઉશ્કેરી રહ્યા હતા.
આનાથી સ્પષ્ટ થાય છે કે, આ વિદ્યાર્થીઓનું આંદોલન નથી પરંતુ દેશવિરોધી અને ડાબેરી વિચારધારા ધરાવતા લોકોનો એક રાજકીય એજન્ડા છે. આ આવેદનપત્રમાં સર્વોચ્ચ અદાલતે ‘હેટ સ્પીચ’ (દ્વેષપૂર્ણ ભાષણ) ના કેસમાં આપેલા ઐતિહાસિક ચુકાદાનો (શાહીન અબ્દલ્લા વિરુદ્ધ ભારત સંઘ) સંદર્ભ આપવામાં આવ્યો છે અને તે પ્રમાણે પોલીસે પોતાની જાતે જ (સુઓમોટો) તુરંત કાર્યવાહી કરવી જોઈએ તેવી આગ્રહભરી માંગ કરવામાં આવી છે. આ સાથે જ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૯૯ (ધાર્મિક લાગણી દુભાવવી), ૧૯૬ (શત્રુતા ફેલાવવી), ૧૫૨ (દેશની અખડતા જોખમમાં લાવવી) અને ૩૫૩ (ભડકાઉ નિવેદનો) હેઠળ તાબડતોબ ગુનો (FIR) નોંધવાની માંગ કરવામાં આવી છે; તેમજ આ આંદોલનના ફંડિંગની અને ‘સિમી’ સાથે સંકળાયેલા લોકોની સંડોવણીની ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ (UAPA) કાયદા હેઠળ ઊંડી તપાસ કરવાની માંગણી પણ કેંદ્રીય ગૃહમંત્રી અને દિલ્હી પોલીસ કમિશનરને આ પત્ર દ્વારા કરવામાં આવી છે.

