કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૅટ)ના રાષ્ટ્રીય મંત્રી અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું કે દેશ જ્યારે દિવાળીના પર્વની તૈયારી કરી રહ્યો છે ત્યારે સમગ્ર ભારતના બજારોમાં ખુશી, ઉત્સાહ અને ઉમંગનો માહોલ ફરી પાછો આવી ગયો છે. કૅટના જણાવ્યા અનુસાર આ વર્ષે દિવાળીની વેચાણ 4.75 લાખ કરોડ રૂપિયાની અદ્વિતીય સપાટી પાર કરવાની ધારણા છે, જે છેલ્લી એક દાયકાની સૌથી મજબૂત તહેવાર સીઝન હશે.
દિલ્હીની ચાંદની ચોક લોકસભા બેઠકના સાંસદ અને કૅટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જીએસટી દરોમાં કરવામાં આવેલ ઘટાડો અને “સ્વદેશી” તથા “વોકલ ફોર લોકલ”ના આહ્વાન દેશના વેપારી સમુદાય માટે ગેમ ચેન્જર સાબિત થયા છે. તેમણે કહ્યું, “આ દિવાળી માત્ર ઘરોને જ નહીં, પરંતુ દેશના લાખો વેપારીઓ, ઉત્પાદકો, કારીગાર અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના જીવનને પણ પ્રકાશિત કરશે.”
કૅટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભારતિયાના અનુસાર, આ વર્ષે દિવાળીનો કુલ વેપાર આશરે ₹4.75 લાખ કરોડ રૂપિયાનો રહેશે, જેમાં વિવિધ ક્ષેત્રોમાં ખર્ચનો અંદાજ આ પ્રમાણે છે —
13% – ખાદ્ય સામગ્રી અને કિરાણું,
3% – ફળો અને ડ્રાયફ્રુટ,
4% – મીઠાઈ અને નમકીન,
12% – કપડા અને પરિધાન,
4% – ઈલેક્ટ્રિકલ સાધનો,
8% – ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો,
3% – બિલ્ડર્સ હાર્ડવેર,
3% – હોમ ડેકોર,
6% – કોસ્મેટિક્સ અને પર્સનલ કેર,
3% – વાસણ અને કિચન વેર,
3% – પૂજા સામગ્રી,
2% – કન્ફેક્શનેરી અને બેકરી ઉત્પાદનો,
4% – ફર્નિશિંગ અને ફર્નિચર,
8% – ભેટ સામગ્રી,
અને 24% – વિવિધ વસ્તુઓ અને સેવાઓ જેમાં ઓટોમોબાઈલ, રમકડાં, પેકેજિંગ, સ્ટેશનરી, ટ્રાવેલ વગેરે સામેલ છે.
કૅટના ચેરમેન બૃજમોહન અગ્રવાલે જણાવ્યું કે બજારોમાં સ્વદેશી ઉત્પાદનોની માંગ વધી રહી છે, જેમાં આત્મનિર્ભર ભારતની છાપ સ્પષ્ટ રીતે જોવા મળે છે. દેશભરના વેપારીઓએ જણાવ્યુ છે કે આ વખતે ગ્રાહકો વિદેશી વસ્તુઓની જગ્યાએ સ્વદેશી ઉત્પાદનોને પ્રાધાન્ય આપી રહ્યા છે. સ્થાનિક ઉદ્યોગોને નવો બળ મળ્યો છે અને વડાપ્રધાન મોદી ના “આત્મનિર્ભર ભારત”ના વિઝનને મજબૂતી મળી રહી છે.
શંકર ઠક્કરે વધુમાં કહ્યું, “આ દિવાળીએ ભારતમા ખર્ચાયેલો દરેક રૂપિયો કોઈને કોઈ ભારતીય ઉદ્યોગકારને મજબૂત બનાવશે.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ તહેવાર દેશની ઘરેલું રિટેલ અર્થવ્યવસ્થામાં એક ઐતિહાસિક વળાંક સાબિત થશે.
