નાશિક પાસે આવેલ સાડા ત્રણ શક્તિપીઠોમાંના એક સપ્તશ્રૃંગી કિલ્લાના ઘાટ પર રક્ષણાત્મક દિવાલ તોડીને એક કાર લગભગ એક હજાર ફૂટ નીચે ખીણમાં પડી ગઈ. રવિવારે સાંજે થયેલા અકસ્માતમાં નિફાડ તાલુકાના પિંપળગાંવ બસવંતના છ લોકોના મોત થયા હતા. મૃતકોમાં ચાર મહિલાઓનો સમાવેશ થાય છે.નાશિક જિલ્લાના પિંપળગાંવ બસવંતનો એક પટેલ પરિવાર રવિવારે સપ્તશ્રૃંગી દેવીના દર્શન કરવા માટે કાર દ્વારા ગયો હતો. કારમાં સાત લોકો હતા. દર્શન કરીને પરત ફરતી વખતે, સાંજે લગભગ ૫.૩૦ વાગ્યે કિલ્લા પરના ઘાટમાં ગણપતિ પોઈન્ટ પર ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, અને કાર રસ્તાની બાજુમાં રક્ષણાત્મક દિવાલ તોડીને લગભગ એક હજાર ફૂટ ઊંડી ખાબકી. કાર બોલની જેમ ખીણમાં પડી અને ચકનાચૂર થઈ ગઈ. આ અકસ્માતમાં કીર્તિ પટેલ (૫૦), રસીલા પટેલ (૫૦), વિઠ્ઠલ પટેલ (૬૫), લતા પટેલ (૬૦), પચન પટેલ (૬૦) અને મણિબેન પટેલ (૬૦) ના મોત થયા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર સ્થાનિક લોકો સાથે ઘટનાસ્થળે દોડી ગયું હતું અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. મોડી સાંજ સુધીમાં વાણી પોલીસ સ્ટેશને આ મામલે નોંધ લેવાનું શરૂ કર્યું હતું.જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિ આજે સાંજે સપ્તશ્રુંગ ગઢ (તા. કાલવણ) ખાતે થયેલા અકસ્માતના પીડિતોને શક્ય તેટલો સહકાર આપી રહી છે. સ્થળ પર રાહત કાર્ય ચાલુ છે, એમ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિવાસી નાયબ જિલ્લા કલેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી રોહિત કુમાર રાજપૂતે જણાવ્યું હતું.
