મુંબઈના આંતરરાષ્ટ્રીય છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર શનિવારે કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) બેંગકોકથી દાણચોરીનો નવ કરોડ રૂપિયાનો ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો લઈ આવનાર ચેન્નઇના યુવકની ધરપકડ કરી હતી.
એઆઇયુના અધિકારીઓએ રવિવારે ધરપકડ કરેલા યુવકની ઓળખ રમીઝ અહમદ ખાન તરીકે થઇ હતી. રમીઝ ખાનને રવિવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. રમીઝના વકીલ તરીકે અરુણ ગુપ્તા કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે દલીલ કરી હતી. કોર્ટે બાદમાં રમીઝને જુડિશિયલ કસ્ટડી ફટકારી હતી.
રમીઝ શનિવારે બેંગકોકથી ફ્લાઇટમાં મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. રમીઝ ટી-2 ખાતે અરાઇવલ હોલમાં આવતાં એઆઇયુના અધિકારીઓએ શંકાને આધારે તેને આંતર્યો હતો. રમીઝની તલાશી લેવાતાં કશું જ મળ્યું નહોતું. આથી તેની ટ્રોલી બેગની તલાશી લેવાતાં કપડાં, ચોકલેટ્સ અને ફૂડ પેકેટ્સ મળ્યાં હતાં. કપડાંમાંથી આઠ એરટાઇટ પ્લાસ્ટિક પેકેટ્સ નીકળ્યાં હતાં. આખી ટ્રોલી બેગ ખાલી કરાવવામાં આવ્યા છતાં તેનું વજન ભારે હોવાથી તેને તોડવામાં આવી હતી અને તેમાંથી વધુ આઠ એરટાઇટ પ્લાસ્ટિક પેકેટ્સ મળ્યાં હતાં.
કુલ ૧૨ એરટાઇલ પ્લાસ્ટિક પેકેટ્સ ખોલવામાં આવતાં તેમાંથી ૮૮૯૫ ગ્રામ હાઇડ્રો ગાંજો મળી આવ્યો હતો. આથી રમીઝ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. રમીઝને બેંગકોકમાં ગાંજો કોણે આપ્યો હતો અને તે ભારતમાં લાવીને ક્યાં પહોંચાડવાનો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.
