મુંબઈ: દેશમાં સોનાની ખરીદી એક વર્ષ માટે મુલતવી રાખવાની કરવામાં આવેલી અપીલ બાદ હવે જ્વેલરી અને બુલિયન ઉદ્યોગમાં ચિંતા વધતી જોવા મળી રહી છે. ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ્સ ફેડરેશન (AIJGF) એ ચેતવણી આપી છે કે આવી અપીલના કારણે દેશભરના આશરે 3.5 કરોડ લોકોની આજીવિકા પર ગંભીર અસર પડી શકે છે.
AIJGF, જે કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) સાથે સંકળાયેલ દેશની સૌથી મોટી બુલિયન સંસ્થા માનવામાં આવે છે, તેણે સરકારને માંગણી કરી છે કે સોનાની માંગ ઘટાડવા કરતાં ‘બુલિયન બેંક’ જેવી વ્યવસ્થા ઉભી કરવી વધુ યોગ્ય રહેશે.
“માત્ર મોટા ઝવેરીઓ નહીં, આખું ઇકોસિસ્ટમ અસરગ્રસ્ત થશે”
CAITના રાષ્ટ્રીય સચિવ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે જ્વેલરી ઉદ્યોગ માત્ર મોટા ઝવેરીઓ પૂરતો મર્યાદિત નથી.
આ સમગ્ર ક્ષેત્રમાં લાખો નાના દુકાનદારો, સુવર્ણકારો, કારીગરો, ડિઝાઇનરો, ઉત્પાદકો, જથ્થાબંધ વેપારીઓ, રિફાઇનર્સ, હોલમાર્કિંગ સેન્ટરો, ટ્રાન્સપોર્ટરો અને દૈનિક વેતન મજૂરો જોડાયેલા છે.
ફેડરેશનના જણાવ્યા અનુસાર, જો સોનાની ખરીદી અટકાવવાની માનસિકતા બજારમાં ફેલાશે તો લગ્ન-તહેવારોની માંગ, ઓર્ડરો અને વેચાણ પર સીધી અસર પડશે.
“ભારતમાં સોનું માત્ર વૈભવ નહીં, સુરક્ષા પણ છે”
AIJGFના રાષ્ટ્રીય પ્રમુખ પંકજ અરોરાએ જણાવ્યું હતું કે ભારતમાં સોનું માત્ર રોકાણ કે વૈભવી વસ્તુ નથી.
તેમણે કહ્યું કે સોનું ભારતીય સંસ્કૃતિ, લગ્ન પરંપરા, મહિલાઓની નાણાકીય સુરક્ષા અને ગ્રામિણ અર્થતંત્ર સાથે સીધું જોડાયેલું છે.
“લોકોને ખરીદીથી દૂર રહેવા કહેતાં પહેલા સરકારએ વિશ્વસનીય વિકલ્પ આપવો જરૂરી છે, નહીં તો સૌથી મોટો ફટકો નાના ઝવેરીઓ અને કારીગરોને પડશે,” એમ અરોરાએ જણાવ્યું.
‘બુલિયન બેંક’ મોડેલની મોટી માંગ
AIJGFએ સરકાર સમક્ષ ‘બુલિયન બેંક’ ફ્રેમવર્ક ઉભું કરવાની માંગણી કરી છે.
ફેડરેશનનું કહેવું છે કે હાલમાં દેશના ઘરો, મંદિરો, ગોલ્ડ ETF અને વિવિધ સંસ્થાઓમાં મોટાપાયે સોનું નિષ્ક્રિય રીતે પડેલું છે.
જો આ સોનાને સત્તાવાર સિસ્ટમ દ્વારા એકત્ર કરીને ઝવેરીઓ, ઉત્પાદકો અને નિકાસકારો સુધી પહોંચાડવામાં આવે તો આયાત પરની નિર્ભરતા ઘટાડી શકાય.
GIFT City અને IIBX સાથે જોડવાની ભલામણ
ફેડરેશનએ સૂચન કર્યું છે કે આ નવી વ્યવસ્થાને GIFT IFSC અને ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) સાથે જોડવામાં આવે.
આ મોડેલ હેઠળ પરિવારો, મંદિરો, ટ્રસ્ટો અને ગોલ્ડ ETF દ્વારા જમા કરાયેલ સોનાનો ઉપયોગ સ્થાનિક જ્વેલરી ઉદ્યોગ માટે થઈ શકે.
AIJGFના જણાવ્યા અનુસાર, યોગ્ય નીતિ અમલમાં આવે તો ભારત દર વર્ષે 200થી 300 ટન સુધીની સોનાની આયાત ઘટાડવામાં સફળ થઈ શકે છે.
ગોલ્ડ ETFના સોનાનો ઉપયોગ કરવાની ભલામણ
ફેડરેશનએ એવું પણ સૂચન કર્યું છે કે ગોલ્ડ ETF પાસે રહેલા ભૌતિક સોનાના 20થી 30 ટકા હિસ્સાનો ઉપયોગ નિયમિત બુલિયન બેંકિંગ સિસ્ટમ દ્વારા ધિરાણ માટે કરવાની મંજૂરી આપવામાં આવે.
તેના કારણે ETF રોકાણકારોને વધારાની આવક મળશે અને સ્થાનિક ઝવેરીઓને વિશ્વસનીય સોનાનો પુરવઠો મળશે.
ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં સુધારાની માંગ
AIJGFએ હાલની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ (GMS)ને પૂરતી સફળતા ન મળ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે.
ફેડરેશનએ સરકારને મધ્યમ અને લાંબા ગાળાની ગોલ્ડ ડિપોઝિટ યોજનાઓ ફરી શરૂ કરવાની માંગ કરી છે.
તે ઉપરાંત બુલિયન બેંક વર્કિંગ ગ્રુપ રચી RBI, SEBI, IFSCA, IIBX અને વેપારી સંસ્થાઓને સાથે લાવવાની પણ ભલામણ કરવામાં આવી છે.
“માગ દબાવશો તો રોજગાર પર ફટકો પડશે”
AIJGFના પ્રવક્તા નીતિન કેડિયાએ જણાવ્યું કે સોનાની માંગ ઘટાડવાથી રોજગારને મોટું નુકસાન થઈ શકે છે.
તેમણે કહ્યું કે ભારત પાસે પહેલેથી જ વિશાળ માત્રામાં નિષ્ક્રિય સોનાનો જથ્થો છે અને યોગ્ય નીતિ દ્વારા વિદેશી હૂંડિયામણ બચાવતાં સાથે લાખો લોકોની આજીવિકા પણ સુરક્ષિત રાખી શકાય છે.
ફેડરેશનએ સરકારને તાત્કાલિક આંતર-મંત્રાલય સ્તરે ચર્ચા શરૂ કરવાની અપીલ કરી છે.

