0

Share

ચીનની નામકરણની રાજનીતિ…

Post details:

ree


છેલ્લા એક દાયકામાં ચાઈનાએ ત્રીજી વખત ભારતીય પ્રદેશોનાં નામ બદલવાની બેખૌફ ગુસ્તાખી કરી છે. ચાઈનાના સિવિલ અફેર્સના ખાતાએ અરુણાચલ પ્રદેશનાં ૧૧ સ્થળોનાં નવાં નામની યાદી બહાર પાડી છે. અરુણાચલ પ્રદેશના બે રહેણાંક વિસ્તાર, પાંચ પર્વતો, બે નદીઓ અને બીજા બે પ્રદેશોને ચાઇનીઝ નામ આપવામાં આવ્યા છે. પાડોશી પરિવારનાં બાળકોનાં નામ બદલાવીને તે નવા નામના આધાર કાર્ડ બહાર પાડવા જેવો અટકચાળો ચાઇનાએ કર્યો છે. પારકા મૂલક ઉપર પોતાનો હક્ક દાવો જતાવવા માટે વૈશ્વિક રાજકારણના રંગમંચ ઉપર ચાઇનીઝ ભવાઈની આ શરૂઆત માત્ર છે. ચાઇનાની પરાણે ફઈબા બનવાની વૃત્તિ પહેલી વખતની નથી. ૨૦૧૭ ની સાલમાં અરુણાચલ પ્રદેશનાં છ સ્થળોનાં નવાં નામ ચાઇનાએ બહાર પાડયા હતા. ૨૦૨૦ અને ૨૦૨૧માં પણ ચાઇનાએ અરુણાચલ પ્રદેશનાં અમુક સ્થળોનાં નામ બદલાવ્યા હતાં. નામ બદલીની પ્રક્રિયાને ચાઇના રૂપાળા શબ્દોમાં ‘સ્ટાન્ડર્ડાઈઝેશન’ ગણાવે છે. અરુણાચલ પ્રદેશ ઉપર વર્ષોથી ડોળો રાખીને બેઠેલી ચાઇનીઝ સરકાર દુનિયાના અર્ધજાગૃત મનમાં નાખવા માંગે છે કે તે ભારતીય રાજ્ય ચીનનું છે. અરુણાચલ પ્રદેશનું નામ કોઈ પણ માણસના કાને પડે ત્યારે તે ચાઇનીઝ વિસ્તાર છે એવું એમના મગજમાં આવે એવી મેલી મુરાદ સાથે ચાઇના તેની યુદ્ધખોર પ્રવૃત્તિ કરી રહ્યું છે. ભારત અને ચીનની સરહદે નવા ગામ બાંધવા, રેલ્વે ટ્રેકનું નિર્માણ કરવું અને લશ્કરી છાવણીઓ સ્થાપવી – તેનાથી એક ડગલું આગળ વધીને ભારતીય પ્રદેશોનાં નામ બદલવાની દુર્વૃત્તિ છે. ભારતીય મહાસાગરનાં અમુક સ્થળોનાં નામ જીનપિંગની સરકારે ચાઇનીઝ વાજિંત્રો ઉપરથી રાખ્યાં છે. બહુ જ શેતાની દિમાગમાં આવો મનોવૈજ્ઞાાનિક ખેલ સૂઝી શકે. ચાઇનીઝ ડ્રેગને આગ ઓકવા માટે નિશાન ઉપર પહેલા ઘાસલેટ છાંટવાનું શરૂ કર્યું છે. વર્તમાનમાં નામ બદલવાથી વાસ્તવિકતા બદલાતી નથી. ચાઇનાનો અરુણાચલ પ્રદેશ ઉપરનો દાવો બેબુનિયાદ છે. અરુણાચલ પ્રદેશ સાથે ભારતને જેટલું કનેક્શન છે એટલું ચાઇનાને ભૂતકાળમાં ક્યારેય ન હતું. આસામ પ્રદેશની ઘણી જાતિઓ, જનજાતિઓ અરુણાચલ પ્રદેશમાં વસે છે. ભારતીય માનવ સંસ્કૃતિનો મોટો વારસો આ સમુદાયો પાસે છે. અરુણાચલ પ્રદેશની પ્રવર્તમાન વસ્તી આસામના મેદાની વિસ્તારોમાંથી આવેલી છે. મોનપાસ જેવા અમુક સમુદાયોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે, પરંતુ વૈષ્ણવપંથી નાગરિકો મોટી સંખ્યામાં છે. મહાભારત, રામાયણ, કાલિકા પુરાણ, વિષ્ણુ પુરાણ અને યોગિની પુરાણ ઉપરાંત કાલિદાસના રઘુવંશમાં પણ અરુણાચલ પ્રદેશ અને ત્યાંની જનજાતિ વિશે ઉલ્લેખ છે. આવા ઘણા ગ્રંથોમાં પ્રાગજ્યોતિષ અને કમારપુરા જેવા રાજ્યોની સીમા કેટલે સુધી વિસ્તરી હતી તેનો ઉલ્લેખ છે. ઝીરો નામની જગ્યાએ શિવલિંગ છે, પરશુરામ કુંડ પ્રખ્યાત છે અને મલીનીથન મંદિર એ વાતની સાક્ષી પૂરે છે કે આ વિસ્તારમાં પરાપૂર્વથી હિન્દુ બહુમતી રહી છે. ઇતિહાસની એરણ ઉપર પણ ચાઈનાનો દાવો સદંતર ખોટો છે. હોંગકોંગમાં પણ ચાઇનાએ કતલેઆમ ચાલવી છે. તિબેટનો વિવાદ સદીઓથી ચાલી છે. ૧૭૨૦ પછી ચાઈનાના કિંગ રાજવંશની હાજરી તિબેટમાં વધવા લાગેલી. તે સમયે છઠ્ઠા દલાઈ લામાનું મૃત્યુ થયું હતું. અહીં ડોશીને બદલે ડોશો મર્યોે હતો અને ચાઈનીઝ જમડા તિબેટને પોતાનું ઘર માનીને ભાળી ગયા હતા. આંદામાન નિકોબાર ફરતે પણ ચાઈનાને ઘેરો નાખવો છે. શ્રીલંકાને પોતાનું બગલબચ્ચુ રાષ્ટ્ર બનાવવા માટે ચાઇના છેલ્લાં વીસ વર્ષથી અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. પાકિસ્તાન સાથે મધુરતા સભર સંબંધ વિકસાવવામાં જીનપિંગને સફળતા મળી છે. પાકિસ્તાનમાં ખાંડ ભલે મોંઘી હોય, પણ ચાઇનીઝ વસ્તુઓ હજુ પણ સસ્તી મળે છે. લેહ લદાખના અમુક વિસ્તારોમાં ચાઇના સતત છમકલાં કરતું રહે છે. ભારતને ચારે તરફથી કસવાની આ ચાઇનીઝ વૃતિથી સરદાર પટેલ પણ માહિતગાર હતા. પણ અફસોસ કે ભારતીય પ્રજા માત્ર પાકિસ્તાનને જ પોતાનું નંબર વન દુશ્મન ગણતી રહી….

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.