0

Share

સમય બદલાઈ રહ્યો છે….

Post details:

ree


બે-ત્રણ વરસના લાંબા અણ-ઉત્સવ અંતરાલ પછી આ વખતે પ્રજાએ શિવરાત્રિના આનંદની હેલી મન ભરીને માણી છે. આ ચાલુ દાયકો માનવજાત માટે વ્યાપાર અને વ્યવહાર વિદ્યાના અગણિત નવા અભિગમો લઈને આવ્યો છે. એકવીસમી સદીના એક અઘરા દાયકા તરીકે આ સમયગાળાને ભલે ઓળખવામાં આવે. પરંતુ ટેકનોલોજિકલ અપડેટ રહેવું એ હવે ફરજિયાત છે. એક ટંક ભોજન નહિ કરો તો ચાલશે પણ ડિજિટલ કામકાજમાં જો બાઘા છાપ રહેશો તો અપમાનિત થશો એમાં કોઈ શંકા નથી. ઉત્સવો બજારમાં તેજીની લહેર લઈ આવે છે. ભારત જેવા વિરાટ દેશે આવી લહેરે લહેરે જ મંદીને ખાળવાની છે. વિવિધ ઉત્સવ શ્રૂંખલામાં પણ એ જ સકારાત્મક હવામાન જોવા મળશે. શિયાળો હવે ઢળતા ઢાળે છે પરંતુ એનું પૂર્ણ વિરામ દૂર છે. હિમાચલ જેવા આઘાતકારક બરફિલા મેઘાડંબર હજુ પણ ક્યાંક ક્યાંક આકાર લેશે એમ ઈશાનના પવનો કહે છે. દેશમાં ડિજિટલ ડિલિંગની ચડતી કળા છે. દીકરાની વહુ એની સખી સાથે વાત કરશે કે મારા હસ્બન્ડ તો હજુ લાઈટ બિલ ભરવા લાઈનમાં ઊભા રહે છે હવે તું જ કહે કે મારે એને ફ્યુચરિસ્ટિક્સ કેમ ભણાવવું ? જે લોકો માત્ર વિમાન પ્રવાસની ટિકિટ કે ફિલ્મની ટિકિટ બુક કરાવતા શીખીને અટકી ગયા છે તેઓ પ્રાગૈતિહાસિક કાળના આદિમાનવની પરિભાષામાં જ સમાઈ જશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે એકાએક જ છલાંગ મારીને જ્ઞાાનક્ષેત્રે ભડકો કર્યો છે. ભારત જેવા ઘણા દેશો છે કે જેમની પ્રજા નવી ટેકનોલોજીને આત્મસાત કરવાને બદલે રાજકીય ગપ્પાબાજીમાં જિંદગી વેડફે છે. ભારતમાં તો યુવાધન કે જેની તો જિંદગી જ હવે ટેકનોલોજીની આંખે અને પાંખે સવાર છે એ યૌવન અત્યારે તો કોઈ ને કોઈ રાજકીય પક્ષના થર્ડ અને ફોર્થ ક્લાસ કાર્યકર બનીને રસ્તાઓ પર ઠેબા ખાઈ રહ્યા છે. રાજનેતાઓને આવા મફતના ભાવના મૂર્ખાઓની ફોઝની જરૂર હોય છે. નવી પેઢીના એક બહુ મોટા સમુદાયનું આ નેતાઓએ એની કોણીએ ગોળ લગાડીને નિકંદન કાઢયું છે. આ દાયકામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું છે. વિવિધ ક્ષેત્રોમાં જે મીડિયોકર કોમ્યુનિટી અને સબ સ્ટાન્ડર્ડ લોકો છે જેઓ તમામ બે નંબરની પ્રવૃત્તિમાં ઢળી પડે છે તેઓનો આસાન રીતે નિકાલ થશે. કાયદાઓ કડક બની રહ્યા છે અને હજુ વધુ કડક બનવાના છે. સરકારે શિસ્તની પાઠશાળા બહુ ચલાવી પણ લોકોને ભણતર ચડયું નહિ એટલે હવે દંડ સંહિતાનો આશ્રય લીધો છે. પહેલી નજરે સરકારનો વાંક દેખાય છે. નમો સરકાર જાણે કે મેમો સરકાર હોય એવું લાગે છે પરંતુ એમાં નાગરિકોની શૂન્યનો દરજ્જો એન્જોય કરતી એવી નહિવત્ સ્વયંશિસ્તનું પણ જબરજસ્ત યોગદાન છે. દેશના કોઈ પણ શહેરના કોઈ પણ રસ્તાના ટ્રાફિકનું અવલોકન કરો એટલે ખ્યાલ આવે કે દેશ ક્યાં જઈ રહ્યો છે અને આને ખરેખર શાની જરૂર છે. આ દાયકો ગેરશિસ્ત ધરાવનારાઓને સીધા કરવાનો દાયકો છે. ગેરશિસ્ત એટલે બધા પ્રકારની ગેરશિસ્ત. આજના ભારતની તુલના જો પાછલા દાયકા સાથે કરો તો દંગ થઈ જવાય એટલા પરિવર્તનો થઈ ગયા છે. સત્તામાં જ નહિ, કાયદા-કાનૂન, વ્યાપાર-ઉદ્યોગ, ટેક્નોલોજી, સમાજ જીવન અને રાજનીતિમાં કંઈક ઉથલ પાથલ મચી છે ને નવા ઘૂઘવતા પ્રવાહો સ્થાયી થવા લાગ્યા છે. ભારતમાં નવા દાયકાની શરૂઆત ફાઈવ-જીના પ્રયોગથી આરંભાયેલી છે. ચીની કંપની હુઆઈ સહિત તમામ ઓપરેટરોને સરકારે આ ટેકનોલોજી અજમાવવાની મંજુરી આપી દીધી છે. સ્પેક્ટ્રમની હરાજી દ્વારા વેચાણ પ્રક્રિયા શરૂ થઈ અને એની પૂરી પણ થઈ ગઈ છે. દિવાળી સુધીમાં તો ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં એક નવા અધ્યાયનો શુભારંભ થશે. ઈન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો જયજયકાર થઈ ગયો છે. રોબોટિક્સ અને મશિન લર્નિંગ (એમએલ)નો ઉપયોગ વધવાથી આઈટી સેક્ટરમાં બેરોજગારી વધી છે અને જેઓ દિલથી કામ કરતા નથી અને જરાકેય વિલાસી જીવન વીતાવનારા છે તેમના પર નવપરિવર્તનોને કારણે છટણીની તલવાર વિંઝાઈ રહી છે. પરિવર્તનની પ્રક્રિયા પીડાદાયક અને અનિવાર્ય હોય છે. હજુ આઈટી ક્ષેત્રમાં બેરોજગારી વધવાની દહેશત છે. તો પણ જેઓએ સખત મહેનત કરીને પોતાની પ્રતિભાને ઉચ્ચસ્તરીય વળાંક આપ્યો છે તેઓ ટકી રહેવાના છે એટલું જ નહિ તેમના પગાર ધોરણો ચિક્કાર થવાના છે. જો કે દરેક ક્ષેત્રમાં આગવી પ્રતિભાઓ ટકી જ જતી હોય છે. એ જ રીતે શેરબજારોમાં અલ્ગોરિધમ આધારિત ટ્રેનિંગ અને ટ્રેડિંગનો વિસ્તાર થવા લાગશે અને એને ન સ્વીકારી કે ન સમજી શકનારા અનેક બ્રોકરો અને બ્રોકરેજ હાઉસ ફેંકાઈ જવાના છે. તેઓનું અસ્તિત્વ એક ઈતિહાસ બની જશે.

ree



Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.