0

Share

રાજ ઠાકરેએ વડાપ્રધાન મોદીને પૂછ્યા કડક સવાલ, “જનતાને કરકસરની સલાહ આપો છો, તો સરકાર પોતાના ખર્ચા ઘટાડશે?” ખાસ સંસદ સત્ર બોલાવી દેશની આર્થિક સ્થિતિ પર ખુલાસો કરવાની માંગ

Post details:

મુંબઈ પ્રતિનિધી: મનસે પ્રમુખ રાજ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને કરકસર અપનાવવાની કરવામાં આવેલી અપીલ પર કડક પ્રતિક્રિયા આપી છે. રાજ ઠાકરેએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો જનતાને સોનાની ખરીદી ઘટાડવા, પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવા અને વિદેશ પ્રવાસ ટાળવા કહેવામાં આવે છે, તો શું સરકાર અને રાજકારણીઓ પણ પોતાના ખર્ચાઓમાં કાપ મૂકાશે?

રાજ ઠાકરેએ દેશની આર્થિક સ્થિતિ, પેટ્રોલ-ડીઝલના ભાવ, વિદેશી રોકાણમાં ઘટાડો અને ‘ફ્રીબી કલ્ચર’ જેવા મુદ્દાઓ પર સીધા વડાપ્રધાનને નિશાન બનાવ્યા છે.

“સરકાર પોતાની ભૂલોનો બોજ જનતા પર કેમ નાખે?”

રાજ ઠાકરેએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને સોનાની ખરીદી ઘટાડવા, પેટ્રોલ-ડીઝલ બચાવવા, ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા અને ‘વર્ક ફ્રોમ હોમ’ જેવા વિકલ્પો અપનાવવાની અપીલ કરી છે.

પરંતુ સાથે તેમણે સવાલ કર્યો કે જ્યારે સરકારના નેતાઓ પોતે જ સૈંકડો વાહનોના કાફલાઓ સાથે ફરતા હોય, ત્યારે માત્ર સામાન્ય જનતાને જ કરકસર માટે કેમ કહેવામાં આવે છે?

તેમણે કહ્યું કે સરકાર પોતાની આર્થિક નીતિઓની નિષ્ફળતાનો બોજ જનતા પર નાંખી રહી છે.

“ક્રૂડ ઓઇલના ભાવ પહેલા પણ વધ્યા હતા”

રાજ ઠાકરેએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં હાલમાં ક્રૂડ ઓઇલનો ભાવ 90 થી 100 ડોલર પ્રતિ બેરલની આસપાસ છે, પરંતુ આવી સ્થિતિ અગાઉ પણ અનેક વખત સર્જાઈ ચૂકી છે.

તેમણે 2008, 2011-12, 2013-14 અને 2022-23 દરમિયાન પણ ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તે સમયે આવી કરકસરની અપીલ કરવામાં આવી નહોતી.

“પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવથી મળેલા પૈસા ક્યાં ગયા?”

મનસે પ્રમુખે આરોપ લગાવ્યો કે જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ 60-65 ડોલર પ્રતિ બેરલ હતા, ત્યારે પણ જનતાને મોંઘા દરે પેટ્રોલ અને ડીઝલ વેચવામાં આવ્યું હતું.

તેમણે પ્રશ્ન કર્યો કે તે સમય દરમિયાન વસૂલ કરાયેલા લાખો કરોડ રૂપિયા ક્યાં ખર્ચવામાં આવ્યા?

‘લાડકી બહિન’ યોજના અને ફ્રીબી રાજકારણ પર નિશાન

રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારની ‘લાડકી બહિન’ યોજના સહિત વિવિધ ‘ફ્રીબી’ યોજનાઓ પર પણ સવાલ ઉઠાવ્યા.

તેમણે કહ્યું કે આવી યોજનાઓનો ઉપયોગ ચૂંટણી જીતવા માટે કરવામાં આવ્યો અને તેના કારણે રાજ્યની આર્થિક સ્થિતિ પર ભાર પડ્યો.

“જો અર્થવ્યવસ્થા ખરેખર નાજુક છે, તો શું હવે આવી મફત યોજનાઓ બંધ કરવામાં આવશે?” એવો સવાલ પણ તેમણે કર્યો.

“ચૂંટણી પ્રચારમાં ઇંધણનો બગાડ કેમ ચાલે?”

રાજ ઠાકરેએ રાજકીય પક્ષોના વિશાળ રોડ શો અને ચૂંટણી પ્રચાર દરમિયાન પેટ્રોલ-ડીઝલના મોટા પાયે થતા વપરાશ પર પણ નિશાન સાધ્યું.

તેમણે પૂછ્યું કે જ્યારે લાખો લિટર ઇંધણ રાજકીય કાર્યક્રમોમાં વપરાય છે, ત્યારે સરકારને કરકસરની યાદ કેમ આવતી નથી?

“વિદેશ પ્રવાસ રોકવાની સલાહ પહેલા સરકાર પોતે ઉદાહરણ આપે”

રાજ ઠાકરેએ વડાપ્રધાનના આગામી વિદેશ પ્રવાસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સામાન્ય ભારતીયો પૈકી કેટલા લોકો ખરેખર વિદેશ પ્રવાસ કરી શકે છે?

તેમણે કહ્યું કે જો સરકાર ખરેખર કરકસર ઈચ્છે છે, તો સૌથી પહેલા રાજકીય નેતાઓએ પોતાના વિદેશ પ્રવાસ અને વૈભવી ખર્ચા ઘટાડવા જોઈએ.

“ભારતીય અર્થવ્યવસ્થા અંદરથી નબળી”

રાજ ઠાકરેએ દાવો કર્યો કે દેશની અર્થવ્યવસ્થા બહારથી મજબૂત દેખાય છે, પરંતુ અંદરથી નબળી અને દબાણ હેઠળ છે.

તેમણે રૂપિયાના અવમૂલ્યન, વિદેશી રોકાણમાં ઘટાડો અને RBIના ગવર્નરોના રાજીનામા જેવા મુદ્દાઓ ઉઠાવી સરકાર પાસે સ્પષ્ટ જવાબ માંગ્યા.

તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.

“ખાસ સંસદ સત્ર બોલાવો”

રાજ ઠાકરેએ વડાપ્રધાનને દેશની આર્થિક સ્થિતિ અંગે પારદર્શક રીતે માહિતી આપવા અપીલ કરી છે.

તેમણે માંગ કરી કે આ સમગ્ર મુદ્દે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે અને સરકાર સ્પષ્ટ કરે કે હાલની આર્થિક પરિસ્થિતિ શા માટે ઊભી થઈ છે અને તેને સુધારવા માટે કયા પગલાં લેવામાં આવશે.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.