મુંબઈની જીવનરેખા ગણાતી લોકલ ટ્રેનોમાં ભીડ હવે નવા પ્રકારના તણાવને જન્મ આપી રહી છે. થાણેથી આસનગાંવ જતી લોકલ ટ્રેનના મહિલા ડબ્બામાં બનેલી મારામારીની ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ભીડમાં શરૂ થયેલો વિવાદ લડાઈમાં ફેરવાયો
માહિતી મુજબ, ઘટના સાંજે અંદાજે 7 વાગ્યાની આસપાસ થાણે અને ડોમ્બિવલી વચ્ચે બની હતી. પીક અવર્સ દરમિયાન ભીડમાં ઉભા રહેવાની જગ્યા મુદ્દે થયેલી નાની બોલાચાલી થોડી જ ક્ષણોમાં ઉગ્ર બની ગઈ.
એક મહિલાને બાજુએ થવા કહેતા વિવાદ શરૂ થયો અને ત્યારબાદ એક મહિલાએ ગુસ્સામાં આવી સામે ઉભેલી મહિલાને જોરદાર ધક્કો મારી દીધો અને મારપીટ શરૂ કરી.
વીડિયો થયો વાયરલ
આ સમગ્ર ઘટનાનો વીડિયો અન્ય મુસાફરો દ્વારા મોબાઇલમાં કેદ કરવામાં આવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા ડબ્બામાં સર્જાયેલો હંગામો અને ઉગ્ર મારામારી સ્પષ્ટ જોવા મળે છે.
રેલવે પોલીસએ નોંધ્યો કેસ
આ મામલે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે વીડિયોના આધારે સંબંધિત મહિલાની ઓળખ કરવાની અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સુરક્ષા અંગે ફરી સવાલ
મુંબઈ લોકલમાં વધતી ભીડ અને તણાવને કારણે આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને મહિલા ડબ્બામાં પણ હવે સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
મુસાફરોનું કહેવું છે કે ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની જરૂર છે, નહીં તો આવી ઘટનાઓ વધી શકે છે.
