મુંબઈ પ્રતિનિધી: માર્ચ મહિનામાં ભારતીય એરલાઇન્સ દ્વારા ૩ હજારથી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ફેબ્રુઆરીની સરખામણીએ રદ થયેલી ફ્લાઇટ્સમાં અંદાજે ૧૩ ટકાનો વધારો નોંધાયો છે. તેમાં એર ઇન્ડિયા એક્સપ્રેસની સૌથી વધુ ૧,૨૧૫ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.
ફ્લાઇટ્સ રદ થવાને કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે એરલાઇન્સને પણ મોટું નાણાકીય નુકસાન સહન કરવું પડ્યું હોવાનું જણાવાયું છે.
ઇન્ડિગો અને એર ઇન્ડિયા ગ્રુપની હજારો ફ્લાઇટ્સ પ્રભાવિત
ઈરાન-અમેરિકા-ઇઝરાયલ સંઘર્ષને કારણે દેશની બે મોટી એરલાઇન્સ ઇન્ડિગો અને એર ઇન્ડિયા ગ્રુપે માર્ચ દરમિયાન કુલ ૧૬ હજાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાંથી અંદાજે ૩,૩૩૫ ફ્લાઇટ્સ રદ કરી હતી.
સ્પાઇસજેટે તેની ૫૫ ટકાથી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી હતી. ઇન્ડિગોએ માર્ચમાં નિર્ધારિત ૭,૪૩૨ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાંથી આશરે ૧૦ ટકા ફ્લાઇટ્સ રદ કરી હતી, જ્યારે એર ઇન્ડિયાએ ૧૩ ટકા ફ્લાઇટ્સ રદ કરી હતી. ફેબ્રુઆરીમાં આ આંકડો માત્ર બે ટકા હતો.
ગલ્ફ વોર બાદ ૧૦ હજારથી વધુ ફ્લાઇટ્સ રદ
૨૮ ફેબ્રુઆરીથી ગલ્ફ વોર શરૂ થયા બાદ ભારતીય એરલાઇન્સે અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે.
પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ભારતીય એરલાઇન્સને યુરોપ અને ઉત્તર અમેરિકા માટે લાંબા રૂટ અપનાવવા પડી રહ્યા છે. તેના કારણે મુસાફરીનો સમય તેમજ ઓપરેશનલ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.
માર્ચમાં ફ્લાઇટ્સ રદ થવાને કારણે ૩ લાખ ૧૦ હજારથી વધુ બેઠકોની ક્ષમતા પર અસર પડી હોવાનું જણાવાયું છે.
ઇંધણ ખર્ચ વધતા ટિકિટના ભાવમાં પણ વધારો
સુરક્ષા ચિંતાઓને કારણે એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ જ્યોર્જિયા, કઝાકિસ્તાન, અઝરબૈજાન, ઉઝબેકિસ્તાન તેમજ યુરોપના કેટલાક મુખ્ય શહેરો માટે ફ્લાઇટ્સમાં ઘટાડો કર્યો છે.
ઇરાનના હવાઈ ક્ષેત્રમાં તણાવને કારણે લાંબા રૂટ અપનાવવા પડતા ઓપરેશનલ ખર્ચમાં વધારો થયો છે. એરલાઇન્સના કુલ ખર્ચમાંથી અંદાજે ૪૦ ટકા ખર્ચ ઇંધણ પાછળ થાય છે.
ઇંધણના વધતા ભાવને કારણે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય રૂટ પર હવાઈ ટિકિટના ભાવમાં પણ વધારો નોંધાયો છે.
