મુંબઈ: મહારાષ્ટ્રમાં વધતી ગરમી અને હીટવેવ વચ્ચે હીટસ્ટ્રોકના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. રાજ્ય સરકારના આંકડા મુજબ, ૧ માર્ચથી ૯ મે દરમિયાન રાજ્યમાં હીટસ્ટ્રોકના કુલ ૨૩૬ કેસ નોંધાયા છે, જ્યારે છ શંકાસ્પદ મોતની માહિતી સામે આવી છે.
જાહેર આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સૌથી વધુ ૮૬ હીટસ્ટ્રોકના દર્દીઓ નોંધાયા છે.
મુંબઈ અને MMRમાં પણ ગરમીનો પ્રભાવ
આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં પણ ભારે ગરમી અને ભેજના કારણે ડિહાઇડ્રેશન, ગરમીનો થાક, ઉલટી અને માથાના દુખાવા જેવા લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.
ગરમીના વધતા પ્રભાવને કારણે હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થતો હોવાનું કહેવાય છે.
એપ્રિલથી વધ્યો ગરમીનો પ્રકોપ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, એપ્રિલ મહિનાથી રાજ્યમાં ગરમીની તીવ્રતા સતત વધી રહી છે.
મરાઠવાડા, વિદર્ભ અને ઉત્તર મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાતા ગરમી સંબંધિત બીમારીઓમાં ઝડપથી વધારો થયો છે.
રાજ્ય સરકાર ૨૦૧૯થી રાષ્ટ્રીય હવામાન પરિવર્તન અને માનવ સ્વાસ્થ્ય કાર્યક્રમ (NPCCHH) હેઠળ હીટસ્ટ્રોક અને ગરમી સંબંધિત બીમારીઓના જિલ્લાવાર ડેટાની દેખરેખ રાખી રહી છે.
છ મૃત્યુમાંથી એકની પુષ્ટિ
આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ૯ મે સુધીમાં નોંધાયેલા છ શંકાસ્પદ મોતમાંથી લાતુરમાં એક મૃત્યુ હીટસ્ટ્રોકને કારણે થયું હોવાનું પુષ્ટિ થઈ છે.
જ્યારે અન્ય પાંચ કેસોની હજુ તપાસ ચાલી રહી છે. તપાસ હેઠળના કેસોમાં અહિલ્યાનગરમાં બે અને અકોલા, લાતુર તથા સોલાપુરમાં એક-એક મોતનો સમાવેશ થાય છે.
આરોગ્ય વિભાગની લોકોને અપીલ
અધિકારીઓએ લોકોને બપોરના સમયે લાંબા સમય સુધી સીધા સૂર્યપ્રકાશમાં ન રહેવાની સલાહ આપી છે.
સાથે જ પૂરતું પાણી પીવું, હળવા રંગના કપડાં પહેરવા અને ગરમીથી બચવા માટે જરૂરી તમામ સાવચેતીઓ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
