0

Share

બેંકોની ડુબતી નાવ…

Post details:

ree

પોતાની પ્રમુખ જવાબદારીઓ પ્રત્યે ઉદાસ રહીને દેશના અર્થતંત્રને યુક્તિપૂર્વક ડિસ્ટર્બ કરનાર નાણાંપ્રધાન બેન્કિંગ સેક્ટર તરફ ઉદાસ છે ત્યારે જ દેશની ટોચની રાષ્ટ્રીયકૃત બેન્કોના ધોવાણના આંકડાઓ હવે સપાટી પર આવી રહ્યા છે. ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તો હાલ પૂરતો પોતાનો ડેવલપમેન્ટલ એજન્ડા પડતો મૂકી દીધો છે અને ભારે નાણાંકીય તંગી અને મંદીમાં ફસાયેલા તેના લાખો કોર્પોરેટ ખાતેદારોને નવી કોઈ પણ લોન આપવાનો ઇન્કાર કરી દીધો છે. જોકે, તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોના ટોચના મેનેજમેન્ટે તમામ શાખા પ્રબંધકોને એવી સૂચના તો અવિધિસર ક્યારનીય આપી જ દીધી છે કે બહુ જ આકરા મૂલ્યાંકન અને યોગ્ય પ્રક્રિયાઓ પછી જ કોર્પોરેટ લોન મંજૂર કરવી. તમામ ઝોનલ બેન્ક ઓફિસોને તેમના ઝોનની તમામ શાખાઓની લોન પ્રક્રિયા પર કાતિલ નજર રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે. ઉદ્યોગ અને ઉદ્યોગપતિઓ અંગે વિજિલન્સ રિપોર્ટ મેળવ્યા વિના બેન્કે આપી દીધેલા કરોડો રૂપિયા પાછા આવવાની શક્યતા હવે નહિવત્ છે. દેશની ભીતર જ છુપાયેલા અને વિદેશ નાસી ગયેલા એવા બન્ને પ્રકારના આર્થિક અપરાધીઓને પકડવામાં સરકારને દસ વર્ષથી વધુ સમયની જરૂર પડશે અને ત્યાં સુધીમાં તો ગંગા-યમુનામાં ઘણા પાણી વહી ગયા હશે. ગયા નાણાંકીય વર્ષના હિસાબો હવે ક્રમશ: પ્રસારિત થતાં બેન્કોની કુલ ખોટ પચાસ હજાર કરોડના આંકડાને વટાવી ગઈ છે. આ આંકડાઓ પણ ઉપરછલ્લા છે અને વાસ્તવિક ચિત્ર આનાથી ઘણું વધું ખરાબ હોવાની દહેશત છે. દેશની તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોના કુલ એનપીએ (બેન્કો પાસે પાછી ન આવવાની હોય એવી ડૂબમાં ગયેલી બેન્ક પ્રદત્ત લોનો)ની રકમ ગણો તો આઠ લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે. અનેક વરિષ્ઠ બેન્ક અધિકારીઓએ સંખ્યાબંધ બેન્ક કૌભાંડોમાં ખલનાયકની ભૂમિકા અદા કરી છે અને સરકાર હવે એમના તરફ સકંજો વધારી રહી છે. આ એવા અધિકારીઓ છે કે જેમણે બેન્કોના નિયમોનો ચાલાકીપૂર્વક દુરુપયોગ કર્યો છે એટલે એમને સાણસામાં લેવાનું કામ આસાન નથી. હજુ કેટલીક બેન્કોએ પોતાની ડૂબમાં ગયેલી લોનોને એનપીએ તરીકે દર્શાવવાનું કેટલુંક કામ પેન્ડિંગ રાખ્યું છે. બેન્કોનું ચિત્ર સારું જળવાય એ માટે હિસાબના નિષ્ણાતોનો કાફલો દરેક બેન્કોએ કામે લગાડેલો છે અને છતાંય ધરાર જાહેર કરવા પડેલા આંકડાઓ આસમાનને સ્પર્શે તેવા ઊંચા છે. ભારતીય બેન્કિંગ પ્રણાલિકા સામે અનેક નવા પ્રશ્નાર્થ ઊભા થયા છે. આડેધડ નિર્ણયોથી દેશમાં ખરેખર જે સફળ ઉદ્યોગપતિઓ છે તેને હવે સરળતાથી કોર્પોરેટ લોન નહીં મળે. બેન્કો એક એવા ચક્રવ્યૂહમાંથી પસાર થઈ રહી છે કે જેને ખરેખર જંગી ફંડની જરૂર છે એને હવે એ આપી શકશે નહીં. સરવાળે આની સમગ્ર અસર દેશના વિરાટ ઔદ્યોગિક ક્ષેત્ર અને નાણાં બજાર પર પણ પડશે જે ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં થોડી વધુ સ્થગિતતા લાવશે. રિઝર્વ બેન્કે હુકમ કર્યા પછી પણ અનેક બેન્કોએ પોતાના દેવાદારોની વર્ગીકૃત યાદી જાહેર કરી નથી. સરકારમાં હજુ પણ કોઈ એક પરિબળ છે જે બેન્કોનું સાચું નાણાંકીય સ્ટેટસ પ્રજા સામે પ્રગટ થતા અટકાવે છે. બેન્કો જેમને લોન આપે છે તે ઉદ્યોગો પર નજર રાખતી નથી અને સંબંધિત કંપનીઓના કામકાજ અંગે ટેકનોલોજીનો ઉપયોગ કરી ડેટા એનાલિસિસ કરતી નથી. નિર્મલા સીતારામને ઇન્કમટેક્સના સંદર્ભમાં એકવાર દેશના ઔદ્યોગિક કરદાતાઓ માટે આક્રમક ફોરેન્સિક ઓડિટની વાત કરીને ધમકી ઉચ્ચારી હતી. એ જ ફોરેન્સિક ઓડિટ સિસ્ટમ જો બેન્કો પર અને બેન્ક લોનધારકો પર લાગુ કરવામાં આવે તો છેલ્લા પાંચ વરસમાં જે રીતે બેન્કોની તિજોરી અપરાધીઓએ ખાલી કરી છે તેમ ન થઈ શકે અને જ્યાં એમ થવાની શક્યતા હોય ત્યાં આગોતરી જ ખબર પડી શકે. સરકાર ધારે તો કઈ રીતે પૂરેપૂરી વસૂલાત કરી શકે તે સહુ જાણે છે પરંતુ સરકાર ધારે છે કે નહીં તે પ્રજા માટે દ્વિધાનો વિષય છે. દેશમાં ખાનગી બેન્કોનો વિકાસ અને તેની પ્રણાલિકાઓ પણ દેશમાં હવે ચર્ચાનો વિષય છે. એક મોટો વર્ગ છે જેણે સરકારી બેન્કોનું ખાનગીકરણ કરવાની હિમાયત કરી છે. ખાનગી બેન્કો, મૂલ્યાંકનના પોતાના આગવા વ્યવસ્થાતંત્ર દ્વારા કોર્પોરેટ લોન આપે છે, તે કોઈના કહેવાથી કોઈને લોન ‘આપી દેવાની’ પદ્ધતિમાં માનતી નથી. બેન્કોના અબજો રૂપિયા તણાઈ જવાની આ મોસમમાં ખાનગી બેન્કોની સફળતા લોકનજરે ચડી છે. કેન્દ્ર સરકારે અગાઉ એક વાર એવી જાહેરાત પણ કરી હતી કે બેન્કોનું આર્થિક સ્વાસ્થ્ય સુધારવા માટે ભારત સરકાર રૂપિયા બે લાખ કરોડથી વધુ રકમ ફાળવશે. ત્યાર પછી નાણાં મંત્રાલય અને રિઝર્વ બેન્કે અનેક જાહેરાતો કરેલી જ છે જેની યાદી બહુ લાંબી છે અને જેમ જેમ સરકાર જાહેરાત કરતી ગઈ તેમ તેમ બેન્કોનાં નાણાં વધુ ને વધુ ડૂબતા ગયા છે.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.