મુંબઈ પ્રતિનિધી : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું હેલિકોપ્ટર આજે બપોરે તોફાની પવનને કારણે માર્ગ બદલવા મજબૂર બન્યું હતું. જોકે, પાયલોટે સમયસર સાવચેતી દાખવી હેલિકોપ્ટરને પરત ફેરવી જુહુ પવન હંસ ખાતે સુરક્ષિત રીતે ઉતાર્યું હતું.
આ ઘટનામાં કોઈપણ પ્રકારની ઈજા થઈ નથી અને એકનાથ શિંદે સહિત હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત હોવાનું જણાવાયું છે.
મુરબાડ જતી વખતે હવામાન બન્યું અવરોધ
માહિતી મુજબ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે તેમના પક્ષના એક પદાધિકારીના પરિવારના લગ્ન સમારંભમાં હાજરી આપવા માટે મુંબઈથી મુરબાડ જવા નીકળ્યા હતા.
બપોરે અંદાજે ૩:૩૦ વાગ્યે મહાલક્ષ્મી રેસકોર્સ હેલિપેડ પરથી હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. જોકે, હેલિકોપ્ટર ઐરોલી વિસ્તાર સુધી પહોંચતાં જ પાયલોટે આગળ તોફાની પવન અને ખરાબ હવામાનની સ્થિતિ નોંધેલી હતી.
પાયલોટે સમયસર લીધો પરત ફરવાનો નિર્ણય
સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને પાયલોટે તાત્કાલિક નાયબ મુખ્યમંત્રી શિંદેને સ્થિતિ અંગે માહિતી આપી હતી અને આગળ જવાને બદલે પરત ફરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ત્યારબાદ હેલિકોપ્ટરને તરત જ પાછું ફેરવી જુહુ સ્થિત પવન હંસ હેલિપેડ પર સફળતાપૂર્વક ઉતારવામાં આવ્યું હતું.
હેલિકોપ્ટરમાં કોણ-કોણ હાજર હતું?
આ સમયે હેલિકોપ્ટરમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉપરાંત તેમના અંગત સહાયક પ્રભાકર કાલે, સ્પેશિયલ ડ્યુટી ઓફિસર બાલસિંહ રાજપૂત, જનસંપર્ક વિભાગના સ્પેશિયલ ડ્યુટી ઓફિસર વિનાયક પાત્રુડકર, સુરક્ષા ગાર્ડ તેમજ એરલાઇનના પ્રતિનિધિઓ હાજર હતા.
સુરક્ષિત લેન્ડિંગ બાદ તમામ લોકો એકનાથ શિંદે સાથે તેમના નિવાસસ્થાને પરત ફર્યા હતા.
