મુંબઈ પ્રતિનિધી, વિવિધ બેંકોમાંથી લેવામાં આવેલી હજારો કરોડ રૂપિયાની લોન અને કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ વચ્ચે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ અનિલ અંબાણી ગ્રુપ સાથે સંકળાયેલા મુંબઈ સહિત ૧૭ સ્થળોએ દરોડા પાડ્યા છે.
આ કાર્યવાહી દરમિયાન ગ્રુપ સાથે જોડાયેલા વિવિધ કંપનીઓના ડિરેક્ટરો, ભાગીદારો અને મધ્યસ્થી કંપનીઓની ઓફિસો તથા રહેઠાણોની તપાસ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ અને વાંધાજનક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
કઈ કંપનીઓ તપાસના દાયરામાં?
CBI દ્વારા ચાલી રહેલી તપાસમાં અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ADA ગ્રુપ સાથે જોડાયેલી કેટલીક કંપનીઓ તપાસના કેન્દ્રમાં છે.
તેમા મુખ્યત્વે રિલાયન્સ ટેલિકોમ લિમિટેડ, રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ અને રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે.
તપાસ એજન્સીઓનો આરોપ છે કે આ કંપનીઓ દ્વારા હજારો કરોડ રૂપિયાની બેંક લોનમાં ગેરરીતિ અને છેતરપિંડી કરવામાં આવી હતી.
મધ્યસ્થી કંપનીઓ મારફતે ફંડ ડાયવર્ટ કરવાનો આરોપ
તપાસ દરમિયાન CBIએ કેટલીક એવી કંપનીઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેઓ કથિત રીતે બેંકમાંથી મળેલા નાણાંને અન્યત્ર વાળવા માટે ઉપયોગમાં લેવાઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, ઘણી મધ્યસ્થી કંપનીઓ એક જ સરનામેથી સંચાલિત થતી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
દરોડા દરમિયાન આવા નેટવર્ક સાથે જોડાયેલા દસ્તાવેજો, નાણાકીય રેકોર્ડ અને ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
અત્યાર સુધીમાં ૭ કેસ નોંધાયા
અનિલ અંબાણી ગ્રુપ સામે અત્યાર સુધીમાં કુલ સાત કેસ નોંધાયા છે. આ કેસો જાહેર ક્ષેત્રની વિવિધ બેંકો અને ભારતીય જીવન વીમા નિગમ (LIC) તરફથી મળેલી ફરિયાદોના આધારે નોંધવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
તપાસ એજન્સીઓ અનુસાર, આ સમગ્ર મામલાથી અંદાજે ૨૭,૩૩૭ કરોડ રૂપિયાનું નાણાકીય નુકસાન થયું હોવાનો આરોપ છે.
EDએ ૧૯ હજાર કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી
આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પણ અલગથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં EDએ અનિલ અંબાણી ગ્રુપ સાથે સંકળાયેલી અંદાજે ૧૯,૩૪૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.
જપ્ત કરાયેલી સંપત્તિઓમાં મુંબઈની રહેણાંક મિલકતો, ખંડાલાનું ફાર્મહાઉસ, નવી મુંબઈની ‘ધીરુભાઈ અંબાણી નોલેજ સિટી’માં આવેલી ૧૩૨ એકર જમીન અને અન્ય અનેક રોકાણોનો સમાવેશ થાય છે.
બે પૂર્વ અધિકારીઓ ન્યાયિક કસ્ટડીમાં
તપાસ દરમિયાન રિલાયન્સ કોમ્યુનિકેશન્સના સહ-અધ્યક્ષ ડી. વિશ્વનાથ અને વાઇસ-પ્રેસિડેન્ટ અનિલ કાલ્યા સામે પણ ગંભીર આરોપો સામે આવ્યા છે.
તપાસ એજન્સીઓ મુજબ, બંને અધિકારીઓ બેંકિંગ કામગીરી અને ફંડના ઉપયોગ તથા ફાળવણી સાથે સીધા રીતે સંકળાયેલા હતા. હાલ બંને ન્યાયિક કસ્ટડીમાં હોવાનું જાણવા મળ્યું છે.
વધુ દરોડા અને પૂછપરછની શક્યતા
CBI અને ED બંને આ મામલે તપાસ વધુ વિસ્તૃત કરી રહ્યા છે. આગામી દિવસોમાં વધુ દરોડા, પૂછપરછ અને દસ્તાવેજી તપાસ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ કેસ હાલમાં દેશના સૌથી મોટા કોર્પોરેટ અને બેંકિંગ કૌભાંડ સંબંધિત મામલાઓમાંના એક તરીકે જોવામાં આવી રહ્યો છે.
