0

Share

હાસ્યરસ ના કલાકારો જે હસાવે છે

Post details:

ree


ree


ree

ree



પી સી કાપડિયા

પ્રજા તરીકે ગુજરાતી પ્રજા તો શાણી ગણાય છે. હસવા માટે તેને પૂરતાં કારણો મળે તો પણ જોખી-તોલીને પ્રમાણસર જ હસશે. ઠાવકું હસશે. પેલા અંગ્રેજે તેના દીકરાને ટપારતાં કહેલું કે સજ્જન મોટેથી હસતાં ક્યારેય પકડાતો નથી એ રીતે આ પ્રજા પણ સ્મિતથી પતતું હોય ત્યાં ખડખડાટ હસવાનું પસંદ નથી કરતી. તે ‘seriously humorous’ નથી પણ humorously serious’ છે. (કહેવાય છે કે કોમ્પ્લિમેન્ટરી પાસમાં કૉમેડી નાટક જોવા આવનાર પ્રેક્ષક, ટિકિટ ખરીદીને જોનાર પ્રેક્ષક કરતાં વધુ હસતો હોય છે, પણ તમામ ગુજરાતી પ્રેક્ષકો માપસર હસે છે એટલે કેટલીક વાર ખબર પણ નથી પડતી કે તે ટિકિટ ખર્ચીને આવ્યો છે કે ફ્રી પાસમાં !) આ કારણે જ ગુજરાતને અખા અને પ્રેમાનંદ જેવા તીવ્ર હાસ્ય- વ્યંગવૃત્તિ ધરાવતા સમર્થ સર્જકો મળ્યા છે. બન્ને ઠાવકા. અખામાં હાસ્યની તુલનામાં વ્યંગનું તત્ત્વ વિશેષ છે. પાંડિત્યસભર શૈલી અપનાવવાને બદલે અખાએ તળપદી ભાષા વાપરી લોકહૃદયમાં પોતાનું સ્થાન અંકિત કરી દીધું. અખો આપણો પહેલા નંબરનો વ્યંગકાર છે. (ગુજરાતીના જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટના લેખમાંથી સાભાર)

જોકે અહીં આપણે વાત કરવી છે ગુજરાતી ફિલ્મોના હાસ્ય કલાકારોની. ઢોલિવુડના હીરો-હીરોઇનો વિશે તો ઘણું લખાયું છે પણ ગુજરાતી ફિલ્મોના અપવાદરૂપ કૉમેડિયનોને બાદ કરતા અન્ય હાસ્ય કલાકાર વિશે ખાસ નોંધ લેવામાં આવી નથી. અત્રે ગુજરાતી ફિલ્મોનું નિર્માણ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીના કૉમેડિયનો વિશેની નેનો જાણકારી આપવાનો પ્રયાસ કર્યો છે. કદાચ કોઈનું નામ રહી ગયું હોય તો ધ્યાન દોરવાની સાથે તેમની વિગતો મોકલવા વિનંતી જેથી આગામી અંકમાં પ્રસિદ્ધ કરી શકાય.



આપણા સાહિત્યમાં પણ હાસ્યને પ્રાધાન્ય આપવાની નીતિ-રીતિ અપનાવવાની શરૂઆત સંસ્કૃત નાટકોમાં કરવામાં આવી હતી. કાલિદાસ, ભવભૂતિ-ભાસ તેઓનાં ઘણાં ખરા નાટકોમાં વિદૂષકનું પાત્ર અનિવાર્ય આલેખાયેલું વાંચવા મળે છે. વિદુષકના આ પાત્ર દ્વારા નાટકના કથાવસ્તુને આગળ વધારવાનું કાર્ય અને બીજું નાટક વાંચનારા કે પ્રેક્ષકતરીકે ઉપસ્થિત દરબારીઓને ગંભીર લાગણીપ્રધાન દૃશ્યો વચ્ચે હળવી પળો માણી શકાવાના માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવતો.

વિદુષકનું બીજું લોકાભિરુચિનું લોકનાટ્યનું એક પાત્ર છે રંગલો. રંગલો એ ભવાઇનું રૂપ. રંગલો તેની રંગલી સાથે મળીને પ્રેક્ષકોને હળવી પળો પૂરી પાડે અને નાચગાન સાથે એ વેષની વાર્તાને આગળ વધારે. વિદુષક અને રંગલા પછી હાસ્ય પૂરું પાડતા નટને કૉમેડિયન કહેવામાં આવ્યો. આ કૉમેડિયન શબ્દ આવ્યો કૉમેડિયા ડેલા આર્ટ-ફ્રાન્સના તખતા પરથી. એ કૉમેડિયાનું થયું અંગ્રેજી ભાષાંતર કોમેડિયન અને તેને આપણે ઝીલી લીધું અને હાસ્ય કલાકાર કહેવાવા લાગ્યા કોમેડિયન- મૂળમાં વિદૂષક- રંગલો – સરકસનો જોકર.

ગુજરાતી ચલચિત્રોના શરૂઆતના દોરમાં જ્યારે ગુણસુંદરી, મુંબઇની શેઠાણી વગેરે ફિલ્મો બની ત્યારે હાસ્ય કલાકારો કોણ હતા તેની કોઇ જાણકારી અમારી પાસે નથી.

જોકે ગુજરાતી ફિલ્મોના શરૂઆતના વરસોમાં માસ્ટર ધુલિયા, છગન રોમિયો, માસ્ટર ભોગીલાલ, લક્ષ્મીચંદ બાગલા, બાબુ રાજે, કમલેશ ઠાકર, કેસરી અને હરસુખભાઇ કિકાણી ઘણા જાણીતા હતા. દરમિયાન પી. ખરસાણી અને નામદેવ લહુટે નામના બે નવા હાસ્ય કલાકારોની એન્ટ્રી થઈ. પરંતુ સિત્તેર-એંસીના દાયકામાં ગુજરાતી ફિલ્મોના નિર્માણમાં તેજી આવી એ સમયે રમેશ મહેતા, નારાયણ રાજગોર, રાજશ મહેતા, દિનુ ત્રિવેદી, જયંત વ્યાસ, દિનેશ હિંગુ, બૉલિવુડના ખ્યાતનામ દિગ્દર્શક ઇન્દ્ર કુમારે ધૂમ મચાવી હતી. તો આજના દોરની ફિલ્મોમાં શેખર શુક્લ, સંજય ગોરડિયા, જિગેશ મુકાતી. હરીશ હિંગુ, જીતુ પંડ્યા, જિગ્નેશ મોદી, જયદીપ શાહ દર્શકોને મોજ કરાવી રહ્યા છે.

માસ્ટર ધુલિયા

મૂળ નાટકના કલાકાર એવા માસ્ટર ધુલિયાને ગુજરાતી ફિલ્મમાં નિર્માતા-દિગ્દર્શક વી. એમ. વ્યાસે મોકો આપ્યો હતો. તેમણે રાણકદેવી, કુંવરબાઈનું મામેરુ, નરસિંહ ભગત. માસ્ટર ધુલિયા ફિલ્મોની સાથે સ્ટેજ પર પણ કાર્યક્રમો કરતા હતા.

હરસુખ કિકાણી

માસ્ટર ધુલિયાના સમયગાળા દરમિયાન જ મૂળ રાજકોટના વડનગરા નાગર હરસુખભાઈ કિકાણીએ વારસદાર ફિલ્મથી અભિનય કરિયરની શરૂઆત કરી. આ કૉમેડી ફિલ્મમાં તેમનાં હીરોઇન હતાં નલિની જયવંત. તેમની બીજી ફિલ્મ હતી નસીબદાર. હરસુખ કિકાણીમાં રમૂજ પેદા કરવાની આગવી કળા હતી.

છગન રોમિયો

રતિભાઈ પુનાતર દિગ્દર્શિત ફિલ્મ ગુણસુંદરીથી છગન રોમિયોએ હાસ્ય કલાકાર તરીકે એન્ટ્રી કરી. જોકે ગુણસુંદરી, ગાડાના બે, મંગળફેરા જેવી ગણતરીની ફિલ્મોમાં જ તેઓ જોવા મળ્યા. ગુમંસુંદરીમાં તેમના પર ફિલ્માવાયેલું ગીત હોટેલની રૂમ નંબર પંદર, એની બારીમાંથી દેખાય બોરીબંદર જૂની પેઢીના વડીલો ભૂલ્યા નહીં હોય.

માસ્ટર ભોગીલાલ

મનહર રસકપૂર દિગ્દર્શિત ફિલ્મ કહ્યાગરો કંથથી ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર માસ્ટર ભોગીલાલે માંડ આંગળીના વેઢે ગણાય એટલી ફિલ્મો કરી હતી.

લક્ષ્મીચંદ બાગલા

મૂળ મારવાડી એવા બાગલાનું શરી જોઈને જ લોકોને હસવું આવી જાય. ગોળમટોળ શરીર ધરાવતા આ કલાકારે અભિનયની સાથે તેમની કાયાનો પણ બખૂબી ઉપયોગ કરતા. તેમણે માત્ર કૉમેડી જ નહોતી કરી પણ ખલનાયક તરીકે પણ કામ કર્યું હતું, જોકે એમાં પણ કૉમેડીની છાંટ જોવા મળતી.

બાબુ રાજે

મૂળ મહારાષ્ટ્રિયન પણ ગુજરાતીઓ સાથે રહેતા હોવાથી ગુજરાતી ભાષા પર પણ પ્રભુત્વ. સિત્તેરના દાયકામાં બનેલી મોટાભાગની ગુજરાતી ફિલ્મમાં બાબુ રાજે જોવા મળતા. જેમાં જોગીદાસ ખુમાણ, સમય વર્તે સાવધાન, હીરો સલાટ મુખ્ય છે. જેમ મિથુન ચક્રવર્તી ગરીબ નિર્માતાના અમિતાભ તરીકે જાણીતા હતા તેમ બાબુ રાજે ગરીબ નિર્માતાઓના નારદ તરીકે પણ વિખ્યાત હતા.

પી. ખરસાણી

1961માં આવેલી ઘરદીવડી ફિલ્મથી પદાર્પણ કરનાર પી. ખરસાણીએ લગભગ સો જેટલી ગુજરાતી ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલો ઉપરાંત ૭૫થી વધુ નાટકોમાં અભિનય કર્યો હતો. ઉપરાંત તેમણે કેટલાંક નાટકોનું લેખન અને દિગ્દર્શન પણ કર્યું હતુ

લાખો ફૂલાણી, ગોરલ ગરાસણી, નારી તું નારાયણી, નર્મદાને કાંઠે, પત્તાંની જોડ, ભાથીજી મહારાજ, મેના ગુર્જરી, નસીબની બલિહારી, પ્રીત પાંગરે ચોરી ચોરી, માડી જાયાનું મામેરુ, હાલો ભેરુ અમેરિકા જેવી ૧૦૦ ચલચિત્રોમાં તેમણે અભિનય કરનાર પી. ખરસાણીને આજે પણ દર્શકો ભૂલ્યા નથી.

નામદેવ લહુટે

અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરનાર નામદેવ લહુટે સિનેજગતના ગુજરાતી કનૈયાલાલ તરીકે જાણીતા હતા. જોકે તેમની ઓળખ બાળનાટ્યોના પ્રણેતા તરીકે વધુ હતી. તેમણે સતીશ શાહ, દિલીપ જોશી જેવા અનેક કલાકારોને ઘડ્યા છે.

રમેશસ મહેતા

મૂળ રાજકોટના આ કલાકાર વાયા મુંબઈ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગયા. નાટકોમાં કામ કરવા મુંબઈ આઈવેલા રમેશ મહેતા આઈએનટીમાં જોડાયા. લખવાનો પણ શોખ હોવાથી તેમને હસ્તમેળાપ ફિલ્મના પટકથા-સંવાદ લખવાનું કામ મળ્યું. ત્યાર બાદ રવિન્દ્ર દવેની સુપરહિટ ફિલ્મ જેસલ તોરલની સ્ક્રિપ્ચ તૈયાર કરી અને એમાં ભૂમિકા પણ ભજવી. બસ, પછી રમેશ મહેતાએ લેખન અને અભિનય ક્ષેત્રમાં પાછા વળીને જોયું નથી. રમેશસ મહેતાએ સોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે તેમની ઓળખ દ્વિઅર્થી સંવાદો અને સ્થૂળ કૉમેડીને કારણે જાણીતા છે. જોકે તેમની દલીલ રહેતી કે દર્શકોને આવું જ ગમે છે એટલે આવું કરું છું.

નારાયણ રાજગોર

રંગમંચથી ફિલ્મોમાં આવેલા નારાયણ રાજગોરે ઘણી ગુજરાતી ફિલ્મો કરી. તેમણે અભિનયની એક આગવી શૈલી ઊભી કરી હતી. કૉમેડીની સાથે તેઓ ખલનાયક તરીકે પણ ખ્યાતિ પામ્યા. તો દાદા હો દીકરીમાં તેમણે દર્શકોને રડાવ્યા પણ હતા. જોકે આ પ્રતિભાશાળી કલાકારનું શૂટિંગ દરમિયાન અકસ્માત બંદૂકની ગોળી વાગતા અવસાન થયું હતું.

જયંત વ્યાસ

જયંત વ્યાસ પણ ગુજરાતી તખ્તાના કલાકાર. જામનગરના ગણપતભાઈ બ્રહ્મભટ્ટ દિગ્દર્શિત- સારંગ બારોટની નવલકથા નંદનવન પર આધારિત ફિલ્મથી રૂપેરી પરદે પદાર્પણ કર્યું ત્યાર બાદ ચૂંદડી ચોખા, લીલુડી ધરતી, કંકુ, રાણકદેવી, હરિચંદ્ર તારામતી, વહાલી ભરવાડણ, રામદેપીર, ધરતીના અમી, ચંદુ જમાદાર જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો.

દીનુ ત્રિવેદી

વિસામો નાટકથી ગુજરાતી નાટ્યશોખીનોમાં મામા તરીકે જાણીતા થયેલા દીનુ ત્રિવેદી 1976માં આવેલી રા નવઘણ ફિલ્મથી ઢોલિવુડમાં પ્રવેશ કર્યો. દીનુ ત્રિવેદીએ દરેક પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લીધી ત્યાં સુધી દેના બેન્કની નોકરી, નાટક અને ફિલ્મોમાં કામ કરતા રહ્યા. તેમની જાણીતી ફિલ્મોમાં વિસામો, કુળવધૂ, દિયર ભોજાઈ, ચાંદો ઉગ્યો ચોકમાં, સાચું સુખ સાસરિયામાં, ખોરડાની ખાનદાનીનો સમાવેશ થાય છે.

દિનેશ હિંગુ

મિમિક્રી આર્ટિસ્ટમાંથી ગુજરાતી ફિલ્મોમાં કૉમેડિયન બન્યા. જોકે તેમના ભાગે બીબાંઢાળ ભૂમિકાઓ જ આવતી. જોકે થોડા વરસ ગુજરાતી ફિલ્મો કર્યા બાદ તેમણે બૉલિવુડની વાટ પકડી.

ઇન્દ્ર કુમાર

બૉલિવુડના ખ્યાતનામ નિર્માતા-દિગ્દર્શક ઇન્દ્ર કુમારે ફિલ્મી કરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મોમાં કૉમેડિયન તરીકે કરી હતી. ગુજરાતીમાં ફૂટપાથની રાણી, જમના બની જગદંબા, છેલ છબીલી સોનલ, ગંગાપુરની ગંગા જેવી અનેક ગુજરાતી ફિલ્મો દ્વારા દર્શકોનું મનોરંજન કર્યું.

હિન્દીની જેમ ગુજરાતી ફિલ્મોમાં પણ કૉમેડિયનોની ડિમાન્ડ ઘટી ગઈ છે. આમ છતાં સંજય ગોરડિયા, જીતુ પંડ્યા, જિગ્નેશ મોદી, જયદીપ શાહ, શેખર શુક્લા, પ્રકાશ મંડોરા જેવા કલાકારો તેમની અભિનય પ્રતિભા વડે દર્શકોને હસાવવાનું કાર્ય કરી રહ્યા છે.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.