0

Share

સોશિયલ મીડિયાની લૂંટફાટ…

Post details:



સોશિયલ મીડિયામાં આજકાલ દર્દ અને દરદીઓના નામે દાન મેળવવા માટેની અનેક ફેઈક જાહેરખબરો તરતી થઈ છે જેમાં અનેક લોકો દયા દાખવીને મૂર્ખ ઠરતા જોવા મળે છે. કારણ કે નોઈડા અને દિલ્હી સહિતના દેશના કેટલાક શહેરોમાં આવી ફેઈક બહાને દાન મેળવતી લૂંટારુ વિવિધ ગેંગ અસ્તિત્વમાં આવી છે. જો કે હજાર ખોટા કેસ વચ્ચે એકાદ સાચો કેસ પણ હોય છે. એટલે લોકોએ પૂરતો અભ્યાસ કર્યા પછી જ સહાનુભૂતિ દાખવવાના આ સંયોગો છે. આ લૂંટફાટમાં સોશિયલ મીડિયા એકલા નથી, એમાં વિવિધ ટેલિકોમ કંપનીઓ પણ ફેઈક મેસેજ પાસ ઓન કરીને લૂંટાતા ગ્રાહકોની અપરાધી બને છે. કોઈ પણ કંપનીનું સિમકાર્ડ હોય પણ ચાલુ વાતચીતે ફોન કપાઈ જવો એ આપણા દેશની સર્વાનુભવ સમસ્યા છે. ત્રણ મિનિટ વાત કરવામાં તમારે ત્રણ વાર નવેસરથી ફોન જોડવો પડે એવું બને. ભારતીય ટેલિકોમ કંપનીઓ લગભગ ઈજારાશાહીની બહુ નજીક પહોંચી ગઈ છે. બહુ જ મર્યાદિત કંપનીઓના હાથમાં દેશના કરોડો લોકોની સંચાર વ્યવસ્થા છે. સરકાર પાસે પોતાની કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ છે પરંતુ એને ખાડામાં ધકેલવા માટે નવી દિલ્હીના ઉચ્ચાધિકારીઓની એક લોબી વરસોથી સક્રિય છે જેના દુઃખદ પરિણામો હવે દેખાવા લાગ્યા છે. દેશની તમામ ખાનગી ટેલિકોમ કંપનીઓને કેન્દ્ર સરકાર અને એના સચિવ કક્ષાના અધિકારીઓ રહસ્યમય રીતે હૂંફ આપે છે, છાવરે છે અને કાયદા વિરુદ્ધ છૂટછાટો આપે છે, તે એટલી હદે કે સર્વોચ્ચ અદાલતના હુકમને પણ તેઓ ઘોળીને પી જવા લાગ્યા છે. કેન્દ્ર સરકારની આ લીલા તરફ ન્યાયમૂર્તિઓનું ધ્યાન જતા સરકારને આકરા શબ્દોમાં ઠપકો આપ્યો છે. સરકારી અધિકારીઓના મનઘડંત ફતવાનો આ એક નવો વિવાદ છે. ટેલિકોમ કંપનીઓને અનુકૂળ હોય તેવા નિયમો ઘડી આપવાની શરૂઆત હકીકતમાં યુપીએ સરકારથી થઈ છે. એ પરંપરા હવે રાક્ષસી કદે આગળ વધી ગઈ છે. કોલ ડ્રોપ સમસ્યા દસ વરસ જૂની છે. આ સમસ્યાને ટેલિકોમ કંપનીઓએ બિઝનેસ બનાવી લીધો છે. પૈસા માટે આ કંપનીઓ કોઈ પણ છેતરપિંડી ધરાવતા મેસેજ દેશના લાખો નાગરિકોને મોકલી આપે છે, જેમાંથી હજારો લોકો ફસાય છે. આજકાલ નવી ચોર ટોળકી દેશમાં સક્રિય બની છે. તમારા પર મેસેજ આવે કે અમારે બ્રિટનથી ભારતમાં નાણાં ટ્રાન્સફર કરવા છે. પાંચથી દસ ટકાની લાલચે આ ખેલની શરૂઆત થાય છે. છેવટે ભારતીય નાગરિક લૂંટાઈ જાય છે. આ તો એક નમૂનો છે. ટેલિકોમ કંપનીઓ પોતાને વેપાર મળે છે એ જોઈને દેશના લાખો લોકોને લૂંટાવા દે છે. સરકારનો આવી બે નંબરી પ્રવૃત્તિ પર કોઈ અંકુશ નથી. કારણ કે કેન્દ્રના વિવિધ મંત્રાલયોના જે અધિકારીઓની મોનિટરિંગ જવાબદારીઓ છે તેઓ ખાનગી કંપનીઓના જ હિત ધ્યાનમાં રાખે છે. ભારતીય ટેલિકોમ કંપનીઓ ભારત સરકારની દેવાદાર પેઢીઓ છે. સરકારે એમની પાસે અઢળક નાણાં લેવાના થાય છે. ઉતાવળે એ હિસાબ જુઓ તો આજથી છ મહિના પહેલા જે ચિત્ર હતું એમાંથી થોડીક જ રકમ ભરપાઈ થઈ છે. દેશના દૂરસંચાર વિભાગે ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા, આર. કોમ અને અન્ય કંપનીઓ પર કુલ એક લાખ તેત્રીસ હજાર કરોડ રૂપિયાની બાકી રકમ ભારત સરકારને ચૂકતે કરવાનો આદેશ કર્યો હતો. આ રકમમાં બાણુ હજાર કરોડ રૂપિયા લાઇસન્સ ફી તરીકે અને એકતાલીસ હજાર કરોડ રૂપિયા સ્પેક્ટ્રમ ફી તરીકે કંપનીઓએ સરકારને ચૂકવવાના થાય છે. આટલી ચપટીક કંપનીઓ કેન્દ્રના મંત્રાલયોમાં પોતાના પાલતુ કુત્તાઓ રાખે છે. જે એવા પરિપત્રો તૈયાર કરે છે જેનાથી કરોડો રૂપિયા ચૂકવવામાં રાહત કે વિલંબનો લાભ મળે. ટેલિકોમ કંપનીઓ ચિક્કાર નફો કરે છે પરંતુ સરકારના બાકી લ્હેણાં ચૂકવવામાં એમને રસ નથી. આ પ્રકરણ લાંબુ છે અને સરકાર હજુ પણ પૂરી વસૂલાત કરી શકી નથી. સર્વોચ્ચ અદાલતના હુકમ પછી પણ મુદત વીતી જાય તો પણ આ કંપનીઓ પૈસા ન ભરે તો વાંધો નહિ એવા અર્થનો એક પરિપત્ર જાહેર કરીને કેન્દ્ર સરકારે અદાલતના હુકમની અવમાનના કરી એનાથી સર્વોચ્ચ અદાલતે સરકારને ન કહેવાના શબ્દો કહેવા પડયા. કેટલીક એનજીઓ સંસ્થા આ દિશામાં નક્કર કામ કરે છે અને સોશિયલ મીડિયામાં બધી જ વિગતો જાહેર કરે છે.

ree


Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.