પ્રખ્યાત ગાયિકા અને ભારતીય સંગીત જગતની દિગ્ગજ હસ્તી આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનના સમાચાર સામે આવતા જ સમગ્ર ફિલ્મ અને સંગીત ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
તબિયત બગડતા તેમને દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
આશા ભોંસલે છેલ્લા આઠ દાયકાથી વધુ સમયથી ભારતીય સંગીત જગતમાં સક્રિય રહી હતી અને હજારો ગીતો દ્વારા લાખો ચાહકોના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું હતું. તેમની અવાજની વૈવિધ્યતા અને અભિવ્યક્તિએ તેમને “સુરોની મહારાણી” તરીકે ઓળખ અપાવી હતી.
તેમણે હિન્દી, મરાઠી સહિત અનેક ભાષાઓમાં ગીતો ગાયા હતા અને ફિલ્મ સંગીત, ગઝલ, પોપ તેમજ ક્લાસિકલ આધારિત રચનાઓમાં પણ અદભૂત યોગદાન આપ્યું હતું. તેમના ગાયનની અનોખી શૈલી અને ઊર્જાએ અનેક પેઢીઓને પ્રેરણા આપી છે.
2023માં તેમણે દુબઈમાં પોતાના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમ આપ્યો હતો અને 90 વર્ષની વય બાદ પણ તેઓ સક્રિય રહીને ચાહકોનું મન જીતી રહ્યા હતા.
તેમના અંતિમ સંસ્કાર સોમવારે મુંબઈના શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં કરવામાં આવશે.
આશા ભોંસલેના નિધન સાથે ભારતીય સંગીત જગતમાં એક યુગનો અંત આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
