0

Share

સજા-એ-મોત: ફાંસી સિવાયના વિકલ્પો પર વિચાર…

Post details:


આપણા દેશમાં રેરેસ્ટ ઓફ રેર કેસમાં મોતની સજા ફરમાવવામાં આવે છે. કેવી રીતે મૃત્યુદંડ આપીએ તો ગુનેગારને સૌથી ઓછું દર્દ થાય એ વિશે ફરીથી ચર્ચા શરૂ થઇ છે ? સુપ્રીમ કોર્ટે બીજા વિકલ્પોનો અભ્યાસ કરવા કહ્યું છે! દુનિયામાં મોતની સજા જુદી જુદી રીતે આપવામાં આવે છે. કેટલાંક દેશોમાં તો મારીને જાહેરમાં લટકાવી દેવામાં આવે છે. એવી ક્રૂરતાથી મોતને ઘાટ ઉતારાય છે કે, બીજો કોઇ માણસ એવો ગુનો કરવાની હિંમત જ ન કરે! બધા ગુનેગાર અને સજા વિશે જુદું જુદું વિચારે છે! ફાંસીની સજામાં બહુ પીડા થાય છે. ફાંસીને બદલે ગુનેગારને એવી રીતે મોતની સજા આપવી જોઇએ જેથી એનો જીવ કોઇપણ જાતના દર્દ કે વેદના વગર નીકળી જાય. દેશની સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ ઋષિ મલ્હોત્રાએ આ મુદ્દે અપીલ કરી હતી. ગરિમાપૂર્ણ મૃત્યુ એ માણસનો મૌલિક અધિકાર છે. ભલેને એ ગુનેગાર હોય પણ જ્યારે એનું જીવન પૂરું થવાનું હોય ત્યારે એને ઓછામાં ઓછું કષ્ટ પડે એની ખેવના રાખવી જોઇએ એવું આ અપીલમાં જૂના ચુકાદાઓ અને નિયમો ટાંકીને કહેવામાં આવ્યું છે. મોતની સજા વિશેની આ અરજી સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લીધી છે. સુપ્રીમ કોર્ટે સરકાર પાસે ફાંસીની સજાના આંકડા માંગ્યા છે. આ મામલે સુપ્રીમ કોર્ટ તારીખ 2 મેના રોજ સુનાવણી આગળ વધારવાની છે. સુપ્રીમ કોર્ટ જે રીતે આ મુદ્દાને ગંભીરતાથી લઇ રહી છે એ જોતા ભવિષ્યમાં આપણા દેશમાં મોતની સજા આપવાની પદ્ધતિ બદલાય તો નવાઇ પામવા જેવું નહીં હોય. મોતની સજા આપવી કે નહીં અને આપવી તો કેવી રીતે આપવી એ દેશ અને દુનિયા માટે ઓલવેઝ ડિબેટેબલ ઇશ્યૂ રહ્યો છે. અમુક દેશો મોતની સજાની વિરૂદ્ધમાં છે તો અમુક તરફેણમાં. આપણા દેશમાં આઝાદીના સમયથી જ મૃત્યુદંડની જોગવાઇ છે. રેરેસ્ટ ઓફ રેર એટલે કે ભાગ્યે જ જોવા મળે એવી ઘટનાઓમાં આપણે ત્યાં મોતની સજા આપવામાં આવે છે. દેશમાં કાયદાઓમાં બદલાવ થતા રહ્યા છે. હત્યાની ઘટના ઉપરાંત આતંકવાદ, દવાઓમાં ભેળસેળથી માંડીને અત્યંત વિકૃત રીતે કરવામાં આવતા દુષ્કર્મ સામે પણ મોતની સજા ફરમાવવામાં આવે છે. આપણે છેલ્લા થોડા સમયથી એવા સમાચારો ખૂબ વાંચીએ છીએ કે, ફલાણા કે ઢીંકણા કેસમાં અદાલતે ફાંસીની સજા ફરમાવી. આપણે ત્યાં ફાંસીની સજા ઘણી ફરમાવાય છે પણ ફાંસી અપાય છે બહુ ઓછા લોકોને. આ મુદ્દે એવી પણ દલીલો થતી આવી છે કે, ગુનેગારને ફાંસીની સજા આપવી નથી તો પછી મોતની સજા ફરમાવો છો શા માટે ? આપણા દેશમાંતો ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીના હત્યારાઓ પણ છૂટી ગયા છે! જેના નામનું ડેથ વોરંટ નીકળી ગયું હોય એ પણ ફાંસીની સજાથી બચી જાય છે. આપણા દેશમાં અત્યારે 488 જેટલા ગુનેગારો એવા છે જેને અદાલતે ફાંસીની સજા ફરમાવી છે. એમાંથી કેટલાને ખરેખર ફાંસી અપાશે એ સવાલ છે. છેલ્લે તારીખ 20મી માર્ચ 2020ના રોજ નિર્ભયા કેસના ચાર ગુનેગાર મુકેશ સિંગ, અક્ષય ઠાકુર, વિનય શર્મા અને પવન ગુપ્તાને દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. દુનિયાના 53 દેશોમાં મોતની સજા ફાંસીના માંચડે ટીંગાડીને આપવામાં આવે છે. કેટલાંક દેશોમાં ઝેરનું ઇન્જેકશન આપીને મોત આપવામાં આવે છે. અમેરિકા, ચીન, ફિલિપાઇન્સ, તાઇવાન, થાઇલેન્ડ, માલદીવ, વિએટનામ વિગેરે દેશોમાં ઝેરના ઇન્જેકશનની સિસ્ટમ છે. ખુરશી પર બેસાડીને ઇલેક્ટ્રીક કરંટ આપીને પણ મોતની સજા આપવામાં આવે છે. કેટલાંક દેશોમાં ગુનેગારને ઊભા રાખીને ગોળી મારી દેવામાં આવે છે. આ બધાં સામેની દલીલો એવી છે કે, ગમે તે હોય, મોતનો મલાજો જળવાવો જોઇએ. જાહેરમાં કોઇને મારી ન નખાય. જે લોકો મોતની સજા જોતા હોય છે એના મન પર પણ બહુ ખરાબ અસર પડે છે. ક્યા ગુનામાં મોતની સજા આપવી એ વળી ચર્ચાનો જુદો જ વિષય છે. ઘણા દેશોમાં સામાન્ય ગુનામાં પણ મોતની સજા આપવામાં આવે છે. ડ્રગ્સ પકડાય તો પણ લટકાવી દેવાય છે. કેવી રીતે મોતની સજા આપવામાં આવે તો ગુનેગારને ઓછી વેદના થાય એ વિશે મતમતાંતર છે. ફાંસીની સજામાં ગળે ભીંસ આવે છે પણ થોડી જ સેકન્ડમાં મોત થાય એવું કહેવામાં આવે છે. ફાંસીને બદલે ઝેરનું ઇન્જેકશન ઓછું પીડાદાયક હોય છે એવું પણ માનવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ હવે એક્સપર્ટ્સની સમિતિ બનાવીને એ જાણવા પ્રયાસ કરશે કે મોતની સજા કેવી રીતે આપવી જોઇએ ? આપણા દેશમાં પણ મોતની સજાનો વિરોધ કરનારો મોટો વર્ગ છે. એક એવો પણ વર્ગ છે કે, ગંભીર ગુનામાં મોતની સજા હોવી જ જોઇએ, સજા ફરમાવ્યા પછી જેમ બને તેમ વહેલી સજા આપી દેવી જોઇએ. ભલે મોતની સજા ગમે એ રીતે આપવામાં આવે પણ ઘરતી ઉપર ભાર જેવા ગુનેગારથી માણસજાતને છૂટકારો તો મળવો જ જોઇએ…


ree






#news #gujarati #gujaratinews #India #crime

#court #supremecourt #law #deathpenalty #justice #criminaljusticeform #execution #capitalpunishment #culprit #punishment #humanrights #government #indiangovernment #narendramodi

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.