મુંબઈ નજીક આવેલા સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (SGNP) અને યેયુરના જંગલ વિસ્તારમાં દીપડાના ગેરકાયદે શિકારના ગંભીર કેસમાં વન વિભાગે મોટી કાર્યવાહી કરીને કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન દીપડાની ચામડી, હાડકાં અને શિકાર માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી જપ્ત કરવામાં આવી છે, જે આ કેસની ગંભીરતાને વધુ સ્પષ્ટ કરે છે.
પ્રાથમિક માહિતી અનુસાર, વન વિભાગે શરૂઆતમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી દીપડાની ચામડી જપ્ત કરી હતી. બાદમાં કેસ નોંધાયા પછી અને સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓએ સ્વીકાર્યું હતું કે જપ્ત કરાયેલી ચામડી યેયુર અને સંજય ગાંધી નેશનલ પાર્ક વિસ્તારના દીપડાની જ છે.
આગળની તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. તપાસ દરમ્યાન કુલ છ આરોપીઓની ઓળખ થઈ હતી, જેમાંથી ચાર આરોપીઓ શરૂઆતમાં ફરાર હતા. આ તમામ આરોપીઓ સીધા શિકારની ઘટનામાં સામેલ હોવાનું સામે આવ્યું છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં વિશાલ વર્થા, મયુર મ્હાત્રે, અનિલ ધાવડે, હર્ષદ જાધવ, દિનેશ પાજેરા અને સંતોષ ઘોષેનો સમાવેશ થાય છે, જે થાણે અને વસઈ વિસ્તારમાં રહે છે.
વન વિભાગે આરોપીઓ પાસેથી દીપડાના હાડકાં, વાયર દોરડા અને શિકાર માટે ઉપયોગમાં લેવાતા અન્ય સાધનો પણ જપ્ત કર્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે કુલ ત્રણ દીપડાના મૃતદેહો મળી આવ્યા હતા અને તેમના દાંત સહિતના અંગો કાઢી લેવામાં આવ્યા હતા, જેનાથી આ શિકાર પાછળના ગેરકાયદે વેપારના સંકેતો મળે છે.
ગુનાસ્થળના નિરીક્ષણ દરમિયાન વન અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે ચેના અને કાશી વિસ્તારામાં બે દીપડાનો શિકાર કરવામાં આવ્યો હતો, જ્યારે ઘોડબંદર વિસ્તારમાંથી હાડકાં અને વાળના અવશેષો મળ્યા હતા. આ તમામ પુરાવાઓ શિકારની વિસ્તૃત કામગીરી તરફ ઇશારો કરે છે.
તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે આરોપીઓ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના મશાચા પાડા વિસ્તારમાં ગેરકાયદે રીતે રહેતા હતા. લગભગ ચારથી પાંચ વર્ષ પહેલાં જંગલ સાફ કરવાની સીઝનમાં તેઓ વન મજૂર તરીકે કામ કરતા હતા, જેના કારણે તેમને જંગલ વિસ્તાર અને વન્યજીવોની ગતિ અંગે સારી જાણકારી મળી હતી.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીઓએ દીપડાના અંગો વેચીને નાણાકીય લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા છે. શિકાર માટે જંગલી ડુક્કરને પકડવા માટે વપરાતા વાયર પાસા (ટ્રેપ)નો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર તપાસ મુખ્ય વન સંરક્ષક ડૉ. જીતેન્દ્ર રામગાંવકર, વન સંરક્ષક અનિતા પાટિલ અને નાયબ નિયામક પ્રદીપ પાટિલના માર્ગદર્શન હેઠળ, વન રેન્જ ઓફિસર મયુર સુરવસેના નેતૃત્વમાં ચાલી રહી છે.
વન કસ્ટડીનો સમયગાળો પૂર્ણ થયા બાદ તમામ આરોપીઓને વસઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી મયુર મ્હાત્રેને જામીન મળ્યા છે, જ્યારે અન્ય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.
વન વિભાગે આ કેસને ગંભીરતાથી લઈને વધુ તપાસ શરૂ રાખી છે અને સંભવિત ગેરકાયદે વન્યજીવ વેપારના નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે.
