0

Share

શિયાળાની વિદાય…

Post details:



છેલ્લા એકાદ મહિનાથી ભારતીય પ્રજાને મોસમનો જુદા જ પ્રકારનો અનુભવ થઈ રહ્યો છે, તેનું પ્રથમ કારણ એ છે કે પ્રજાનો શિયાળા માટેનો રોમાંચ ઓછો થઈ ગયો છે. ખરેખર તો શિયાળો અદ્ભુત તંદુરસ્તીની મોસમ છે તો પણ આ વખતે સમગ્ર ભારતમાં જેની નોંધ ન લેવાય એવી નાની મોટી બીમારીઓના લાખો કેસો હોસ્પિટલોની પ્રદક્ષિણા કરતા જોવા મળ્યા છે. એનું એક બીજું કારણ એ છે કે એક તો નાગરિકોની સરેરાશ રોગપ્રતિકારક ક્ષમતા એટલે કે ઈમ્યુનિટી ઘટી ગઈ છે. ઉપરાંત પાછલાં વર્ષોમાં આવેલી કોરોનાની નાની-મોટી લહેરે પ્રજાના શરીરને આરોગ્યની એરણ પર ચડાવીને આકરી કસોટી કરેલી છે. એટલે લોકજીવનના આરોગ્યમાં હજુ પણ કોરોનાનો આછો પડછાયો જોવા મળે છે. સાપ ગયો ને લિસોટા રહ્યા જેવી આ વાત છે. એની સામે બીજી એક સકારાત્મક બાબત એ છે કે લોકોની આરોગ્ય સભાનતા અભૂતપૂર્વ રીતે અભિવૃદ્ધ થઈ ગઈ છે. પહેલાની તુલનામાં લોકોનો આહાર શુદ્ધિ માટેનો આગ્રહ વધ્યો છે. એને કારણે દેશના વિવિધ રાજ્યોની મહાપાલિકાના મોટા પેટવાળા ફૂડ ઇન્સ્પેક્ટરોએ દરોડાઓ પણ વધારી દીધા છે અને દરરોજ લાખો ટન અખાદ્ય સામગ્રીનો વિનાશ કરવામાં આવે છે. દેશમાં કેટલીક બ્રાન્ડેડ કંપનીઓના આઉટલેટ પરથી પણ વાસી, પડતર અને ફેંકી દેવાપાત્ર સામગ્રીઓ ઝડપાઈ રહી છે. એનો અર્થ એ છે કે ખાણીપીણીમાં કોઈપણ બ્રાન્ડ ભૂલચૂકથી મુક્ત નથી અને બ્રાન્ડનો અર્થ એ નથી કે એનો આહાર શુદ્ધ હશે. આપણી પ્રજામાં આહારનું મૂલ્યાંકન કરવા માટેનાં ધોરણો સ્વતંત્ર રીતે છે જ નહીં. સરકાર પાસે આગવું વ્યવસ્થા તંત્ર છે, પરંતુ ગુજરાતી પ્રજા તો ઉકરડાની બાજુમાં ઊભેલી લારીમાંથી પણ બેધડક પાણીપુરી ખાઈ શકે છે. ગુજરાત એટલે પાણીપુરીનો પ્રદેશ એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. સાંસ્કૃતિક બાબતોમાં જે ગુજરાત વિશ્વભરમાં એના રાસ-ગરબાથી ઓળખાય છે, એ જ ગુજરાત એક જમાનામાં ખાણીપીણીમાં બાજરાના રોટલા, ઊંધિયાનું શાક કે ફાફડા-જલેબીથી ઓળખાતું હતું, પરંતુ હવે પાણીપુરીથી ઓળખાય છે. કેન્દ્ર સરકારે આ વર્ષને મિલેટ વર્ષ તરીકે જાહેર કરેલું છે. આમ તો આ આંતરરાષ્ટ્રીય મિલેટ વરસ છે, પરંતુ ભારત સરકારે એનો મોટો ઉપાડો લીધેલો છે. મિલેટનો અર્થ થાય છે બરછટ ધાન્ય. હિન્દીમાં એને મોટા અનાજ તરીકે ઓળખવામાં આવે છે. આ કેટેગરીમાં બાજરો, જવ, કાંગ, સામો અને એ પ્રકારના ધાન્યનો સમાવેશ થાય છે. જુવાર પણ આ જ કેટેગરીમાં આવે છે. વિશ્વભરના આરોગ્ય નિષ્ણાતો ઘણી સદીઓ પછી હવે મિલેટ તરફ પાછા ફર્યા છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના હિમખંડો પીગળતા એની નજીકના દેશોમાં નદીઓ પ્રલયકારી થઈ અને કાંઠાળ પ્રદેશોનું ભારે ધોવાણ થયું. આ વખતે તો ભારે હિમવર્ષા થઈ. યુરોપ અને અમેરિકામાં શિયાળાએ પોતાનું આક્રમક સ્વરૂપ પ્રદર્શિત કર્યું. ભારતમાં હિમાલય એ ખરેખર તો દુનિયાનો ત્રીજો ધ્રુવ પ્રદેશ છે. ભવિષ્યમાં ગમે ત્યારે વધી રહેલા ઉષ્ણતામાનને કારણે હિમાલયનો બરફ પણ એના નિયત ક્રમ કરતાં વધારે પીગળી શકે છે અને તો ઉત્તર ભારતથી દક્ષિણ તરફ વહેતી તમામ નદીઓમાં તોફાની પૂર આવી શકે છે. આ પ્રકારનું પૂર મુખ્યત્વે ઉનાળામાં આવવાની સંભાવના હોય છે. જ્યારે આકાશમાં એક પણ વાદળ ન હોય ત્યારે નદીઓ હર્ષઘેલી થઈને વહેવા લાગે છે. ભારતીય નદીઓના કાંઠે વિરાટ જન-સમુદાય વસે છે. વળી ઉનાળામાં તો પૂર આવવાની સંભાવના વિશે લોકો અજ્ઞાાત હોય છે, એટલે જ્યારે પણ હિમાલયનો બરફ પીગળશે ત્યારે ભારતીય નદીઓમાં અણધાર્યા પૂર આવવાની સંભાવના છે. અમદાવાદથી જમ્મુ-તાવી ટ્રેનમાં બેસો એટલે ત્રીજા દિવસે સવારે હિમાલયના ધવલ ગિરિશિખરોનો સૌન્દર્ય મંડિત સાક્ષાત્કાર થાય. હિમાલયની જાળવણી કરવામાં સરકારે હિમાલય જેવડી ભૂલો કરેલી છે. તળેટીનાં જંગલોની ઔષધિઓ કોર્પોરેટ સન્યાસીઓએ લૂંટી લીધી છે. ત્યાં નવાં વાવેતર કરવાની કોઈને પડી નથી. આ વખતની ભારે બરફવર્ષાને કારણે નગાધિરાજ પર બરફના નવા થર બાઝયા છે, પરંતુ સરેરાશ દરેક દાયકે એ શ્વેત ચાંદની સરીખા પડળ આછા થતાં જાય છે એ ચિંતાનો વિષય છે. શિયાળો ફાગણ સુદ પૂનમ સુધી એનો રાતનો પડાવ ચાલુ રાખશે. હોળીના તાપણે તપ્યા પછી જ શીતકાળ વિદાય લેશે…

ree






#news #India #gujarati #gujaratinews #weather #season #indianweather #climate #coldwave #winter #summer #weather #india #weatherforecast #IMD #NOAA

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.