મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરના સત્તાવાર નિવાસસ્થાનના સમારકામ માટે ૩.૪૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો પ્રસ્તાવ સામે આવતા ભારે ચર્ચા ઉઠી છે. અગાઉના વર્ષોમાં લાખોમાં મર્યાદિત રહેલો ખર્ચ અચાનક કરોડોમાં પહોંચતા આ મુદ્દે પારદર્શિતા અને જરૂરિયાત અંગે પ્રશ્નો ઉભા થયા છે.
સ્થાયી સમિતિ સમક્ષ ૩.૪૦ કરોડનો પ્રસ્તાવ
ભાયખલાના રાની બાગ વિસ્તારમાં આવેલ મેયરના એક માળના બંગલાના સમારકામ માટેનો પ્રસ્તાવ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયો છે.
આ પ્રોજેક્ટનો મૂળ ખર્ચ અંદાજે ૨.૯૪ કરોડ રૂપિયા દર્શાવવામાં આવ્યો છે, જ્યારે તમામ કરવેરા સહિત કુલ ખર્ચ લગભગ ૩.૪૮ કરોડ રૂપિયા સુધી પહોંચે છે.
આરટીઆઈથી બહાર આવ્યા ચોંકાવનારા આંકડા
આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલીએ આ ખર્ચ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં આ બંગલાના સમારકામ માટેનો ખર્ચ ખૂબ જ ઓછો રહ્યો હતો.
2018-19માં લગભગ ૮૫.૮૭ લાખ રૂપિયા ખર્ચ થયા હતા
2019-20માં માત્ર ૫.૮૮ લાખ રૂપિયા
2020-21માં ૨.૯૩ લાખ રૂપિયા
2022-23માં ૨.૯૨ લાખ રૂપિયા
આંકડાઓ સામે હવે 2026-27 માટે સીધો ૩.૪૦ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ ચાર ગણો વધારો દર્શાવે છે.
હેરિટેજ બંગલામાં કરોડો ખર્ચ શા માટે?
ગલગલીએ સવાલ ઉઠાવ્યો છે કે હાલ રહેવા યોગ્ય હેરિટેજ બંગલામાં આટલો મોટો ખર્ચ શા માટે જરૂરી છે?
તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે ઘણા કામો મહાનગરપાલિકા દ્વારા જાન્યુઆરી 2026માં પહેલાથી જ કરવામાં આવી ચૂક્યા છે, છતાં ફરી મોટા પાયે ખર્ચનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.
પ્રસ્તાવમાં મોંઘા કામોનો સમાવેશ
આ પ્રસ્તાવમાં કેટલાક ઉચ્ચ ખર્ચવાળા કામોનો સમાવેશ થતો હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં
કોન્ફરન્સ હોલને બહાર ખસેડવાનો નિર્ણય
કામચલાઉ માળખું ઉભું કરવું
ઇટાલિયન માર્બલ જેવા મોંઘા મટિરિયલનો ઉપયોગ
આ મુદ્દાઓને કારણે ખર્ચમાં અસામાન્ય વધારો થયો હોવાનો આક્ષેપ છે.
પારદર્શિતા અને જવાબદારી પર પ્રશ્નો
આ સમગ્ર મામલે મ્યુનિસિપલ વહીવટીતંત્રની કામગીરી અને ખર્ચના ન્યાયિકરણ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
હવે આ પ્રસ્તાવ પર સ્થાયી સમિતિ શું નિર્ણય લે છે અને ખર્ચ અંગે શું સ્પષ્ટતા આપવામાં આવે છે તે તરફ સૌની નજર છે.
