છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 1 ના રનવે નજીક ગુરુવારે સાંજે આગ લાગી હતી, જેના કારણે વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની માહિતી મળતા જ એરપોર્ટ ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક અગ્નિશામક દળના વાહનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
સાવચેતીના ભાગરૂપે એરપોર્ટનો પ્રવેશદ્વાર થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મુંબઈ એરપોર્ટ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંનું એક છે, જ્યાં દરરોજ આશરે 1000 જેટલી ફ્લાઇટ્સનું સંચાલન થાય છે. ટર્મિનલ 1 પરથી મુખ્યત્વે સ્થાનિક ઉડાનો સંચાલિત થાય છે.
ગુરુવારે સાંજે લગભગ 6:45 વાગ્યે કર્મચારીઓએ આગ જોઈ હતી, જેના પગલે સાવચેતી રૂપે હવાઈ ટ્રાફિક તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. સુરક્ષા કારણોસર ટર્મિનલ 1 પર કેટલીક ફ્લાઇટ્સને થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.
એરપોર્ટ જેવા ઉચ્ચ સુરક્ષા ઝોનમાં આગ લાગવાના સમાચાર ફેલાતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. એરપોર્ટનો પ્રવેશદ્વાર અંદાજે એક કલાક માટે બંધ રહ્યો હતો. અંતે અગ્નિશામક દળે આગ પર કાબુ મેળવી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.
