0

Share

મુંબઈમાં રાત્રિભોજનમા બિરયાની ખાધા પછી કલિંગર ખાતા એક જ પરિવારના ૪ સભ્યોના મોત

Post details:

દક્ષિણ મુંબઈના પાયધુની વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યોના શંકાસ્પદ મૃત્યુની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ ફૂડ પોઈઝનિંગને કારણે આ મોત થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે પોલીસ અને આરોગ્ય તંત્રે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

બિરયાની પાર્ટી પછી અચાનક બિમારી

શનિવારે રાત્રે અબ્દુલ્લા કાદર (૪૦), તેની પત્ની નસરીન (૩૫), પુત્રીઓ આયેશા (૧૬) અને ઝૈનબ (૧૩) સહિત પરિવારના સભ્યો મિજબાની માટે ભેગા થયા હતા. તમામે બિરયાનીનો ભોજન લીધો અને ત્યારબાદ ઘરે પરત ફર્યા.

ઘરે પહોંચ્યા પછી રાત્રે લગભગ ૧ વાગ્યે પરિવારના સભ્યોએ કલિંગર (તરબૂચ) ખાધું. શરૂઆતમાં કોઈ તકલીફ જણાઈ ન હતી, પરંતુ વહેલી સવારે પરિસ્થિતિ અચાનક બગડી ગઈ.

સવારે તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ

સવારે લગભગ ૫ વાગ્યે પરિવારના સભ્યોને ઉલટી અને ઝાડાની તીવ્ર ફરિયાદ શરૂ થઈ. તેમની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેઓ ઉભા પણ રહી શકતા નહોતા. પડોશીઓએ તાત્કાલિક મદદ કરી અને નજીકમાં રહેતા ડૉ. કુરેશીને બોલાવ્યા.

ડૉક્ટરે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામને તરત જ જેજે હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી.

એક પછી એક ચાર મોત

હોસ્પિટલમાં સારવાર દરમિયાન સૌથી પહેલા નાની દીકરી ઝૈનબનું સવારે અવસાન થયું. ત્યારબાદ થોડા સમયના અંતરે માતા નસરીન અને મોટી દીકરી આયેશાએ પણ દમ તોડી દીધો. અંતે રાત્રે પરિવારના વડા અબ્દુલ્લાનું પણ અવસાન થયું.

આ રીતે માત્ર ૧૨ કલાકના ગાળામાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ ફેલાયો છે.

ડૉક્ટર અને પોલીસના નિવેદન

ડૉ. ઝિયાદ કુરેશીએ જણાવ્યું કે ચારેય દર્દીઓની હાલત ખૂબ જ ગંભીર હતી અને તેઓ ભારે ડિહાઇડ્રેશન અને થાકના લક્ષણો દર્શાવી રહ્યા હતા. પૂછપરછ દરમિયાન પરિવારે કલિંગર ખાધાનું જણાવ્યું હતું.

હોસ્પિટલમાં દાખલ થયા બાદ અબ્દુલ્લાને થોડા સમય માટે ભાન આવ્યું હતું, જેમાં તેણે બિરયાની પાર્ટી અને ત્યારબાદની ઘટનાક્રમ વિશે માહિતી આપી હતી. પોલીસ માટે આ નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

ફૂડ પોઈઝનિંગની શંકા, નમૂનાઓ તપાસ માટે મોકલાયા

પોષણ નિષ્ણાતોના મતે, કલિંગર જેવા ફળોમાં પાણી અને કુદરતી ખાંડનું પ્રમાણ વધુ હોવાથી તેમાં બેક્ટેરિયા ઝડપથી વિકસી શકે છે, ખાસ કરીને જો તે દૂષિત હોય અથવા લાંબા સમય સુધી બહાર રાખવામાં આવ્યું હોય.

પોલીસે ઘરમાંથી અડધું ખાધેલું તરબૂચ જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યું છે. ચારેય મૃતદેહોનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે.

તપાસ ચાલુ

પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને કેસની વિગતવાર તપાસ શરૂ કરી છે. ફૂડ પોઈઝનિંગ સિવાય અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટનાએ શહેરમાં ખાદ્ય સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે અને નાગરિકોમાં ચિંતા ફેલાવી છે.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.