મુંબઈના મલાડ પૂર્વ વિસ્તારમાં અંધશ્રદ્ધાના નામે લોકોને મૂર્ખ બનાવી છેતરપીંડી કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિંડોશી પોલીસ સ્ટેશનમાં સ્થાનિક નાગરિકોએ એક કથિત ‘ભોંડુબાબા’ વિરુદ્ધ સામૂહિક ફરિયાદ નોંધાવી છે.
‘દેવી આવે છે’ કહી લોકો સાથે છેતરપિંડી
આરોપી રિધમ પંચાલ, જે વ્યવસાયે જીમ ટ્રેનર હોવાનું પણ સામે આવ્યું છે, પોતાને દેવીનો અવતાર બતાવી લોકોને વિશ્વાસમાં લઈ છેતરતો હતો. તે દાવો કરતો કે રવિવાર અને ગુરુવારે દેવી તેના શરીરમાં આવે છે અને તે લોકોના શરીરમાંથી ‘ભૂત કાઢી’ શકે છે.
અજીબ રીતો અને અંધશ્રદ્ધાનો ખેલ
પંચાલ પૂજા દરમિયાન બકરીનું લીવર, કાળું-લાલ કપડું અને કબ્રસ્તાનની રાખનો ઉપયોગ કરતો હતો. ભક્તોને ચોકમાં લીંબુ, દારૂની બોટલો, કુમકુમ અને સિગારેટ રાખવા મજબૂર કરવામાં આવતા.
તે નિઃસંતાન મહિલાઓને સંતાનપ્રાપ્તિના વચનો આપતો અને ગંભીર બીમારીઓ ઠીક કરી આપવાનો દાવો કરતો હતો.
60થી વધુ લોકો આગળ આવ્યા
આખરે સ્થાનિક લોકોમાં જાગૃતિ આવતા 60થી વધુ લોકોએ એકસાથે ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજ્યમાં અન્યત્ર પણ આવી જ ઘટનાઓ
આ એકમાત્ર ઘટના નથી. પુણે જિલ્લાના ખેડ તાલુકામાં ‘કરણી’ અને ‘ચેડા’ના ડર બતાવી કિસન તાલપે અને મંગેશ કરોટે દ્વારા છેતરપીંડી કરવામાં આવી હોવાના આરોપ છે.
સંગમનેરના વડગાંવ વિસ્તારમાં એક અન્ય કથિત બાબા પોતાને ‘ગડગે મહારાજ’ તરીકે રજૂ કરીને કેન્સર અને લકવો જેવી બીમારીઓ ઠીક કરવાની દાવા કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ (ANIS) દ્વારા કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
અંધશ્રદ્ધા સામે કાયદો, પરંતુ અમલીકરણમાં ખામી
મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો હોવા છતાં આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. અમલીકરણમાં ઢીલાશ અને લોકોમાં જાગૃતિના અભાવને કારણે આવા નકલી બાબાઓને વેગ મળી રહ્યો છે.
“લોકો પણ જવાબદાર”
વિજ્ઞાનના યુગમાં પણ લોકો મેલીવિધ્યા અને અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખે છે. નિષ્ણાતોના મતે, આવા કૌભાંડો માટે માત્ર ઠગો જ નહીં પરંતુ અંધવિશ્વાસ રાખનારા લોકો પણ તેટલા જ જવાબદાર છે.
હવે સવાલ એ છે કે મલાડ જેવી રીતે અન્ય વિસ્તારોમાં પણ લોકો આવી ફરિયાદ નોંધાવવાની હિંમત કરશે કે નહીં? અને વહીવટીતંત્ર આવા કિસ્સાઓમાં કડક પગલાં ક્યારે લેશે?
