દેશની સુરક્ષા એજન્સીઓની સતર્કતા અને સંકલિત કામગીરીના કારણે એક મોટા આતંકવાદી કાવતરાને સમયસર નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર ATS અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ના નિર્દેશ પર રચાયેલ દિલ્હી પર હુમલાની યોજના ભંગ કરી છે.
આ કાર્યવાહી દરમિયાન મુંબઈના કુર્લા અને થાણે વિસ્તારમાંથી બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ મોહમ્મદ હમાદ સલાઉદ્દીન મહમૂદ અલી સિદ્દીકી (કુર્લા) અને મોસીબ અહેમદ ઇફ્તેખાર અહેમદ (થાણે) તરીકે કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ ‘જૈશ-એ-મોહમ્મદ’ સાથે સીધા સંપર્કમાં હતા.
તપાસ એજન્સીઓ મુજબ, આરોપીઓએ રમકડાની કારનો ઉપયોગ કરીને દિલ્હીમાં વિસ્ફોટ કરવાની યોજના બનાવી હતી, જે તેમની મોડસ ઓપરેન્ડીનો અસામાન્ય અને ચિંતાજનક પાસો છે. ગુપ્ત માહિતીના આધારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને મહારાષ્ટ્ર ATSએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓની કસ્ટડીમાંથી મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે, જેના આધારે તપાસ વધુ ઊંડાણપૂર્વક આગળ વધારવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓના નેટવર્ક અને અન્ય સંભવિત સંડોવણી અંગે મહત્વની માહિતી પણ મળી હોવાનું સૂત્રો જણાવે છે.
આ ઘટનાના પગલે મુંબઈ અને દિલ્હીમાં સુરક્ષા દળોને હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓ સંભવિત સહયોગીઓ અને નેટવર્કને શોધવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.
સત્તાવાળાઓએ જણાવ્યું છે કે રાજધાની પરનો સંભવિત આતંકી હુમલો ટાળી દેવાયો હોવા છતાં, આ કાવતરામાં સંકળાયેલા અન્ય તત્વોને શોધવા માટે તપાસ ચાલુ રહેશે.
