વેબ સિરીઝની દુનિયામાં ફરી એકવાર જોરદાર એન્ટ્રી થઈ છે. અભિનેતા વિજય વર્માની અપકમિંગ વેબ સિરીઝ “મટકા કિંગનું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. 1960ના બૉમ્બેની પૃષ્ઠભૂમિ પર આધારિત આ કથા સંઘર્ષ, અપમાન અને સત્તાની સફરને દર્શાવે છે.
સંઘર્ષથી સત્તા સુધીનો સફર
સિરીઝમાં વિજય વર્મા ‘બ્રિજ ભટ્ટી’ના પાત્રમાં જોવા મળે છે, જે શરૂઆતમાં એક સામાન્ય કપાસ કામદાર હોય છે. ગરીબી અને અપમાન વચ્ચે જીવતો બ્રિજ એક ઘટના પછી જીવનનો મોટો નિર્ણય લે છે—અને એ જ ક્ષણ તેની કિસ્મત બદલી નાખે છે.
“બેંક કરતાં મટકામાં વધારે વિશ્વાસ!”
ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે બ્રિજ જુગાર અને સટ્ટાની દુનિયામાં પ્રવેશ કરે છે અને ‘મટકા’ નામની રમતને લોકપ્રિય બનાવે છે. સમય જતાં લોકોનો વિશ્વાસ એટલો વધે છે કે તેઓ બેંક કરતાં પણ મટકામાં વધુ વિશ્વાસ રાખવા લાગે છે. બ્રિજ ભટ્ટી ધીમે ધીમે આ અન્ડરવર્લ્ડનો ‘મટકા કિંગ’ બની જાય છે.
ડાયલોગ્સ અને ડ્રામાનો જોરદાર ઇમ્પેક્ટ
ટ્રેલરના ડાયલોગ્સ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. ખાસ કરીને —
“જિંદગી માત્ર એક જ વસ્તુ પર ચાલે છે — આશા!”
અને
“હીરો હંમેશા જીતે છે!”
જેવા ડાયલોગ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યા છે.
સ્ટારકાસ્ટ અને રિલીઝ
આ સિરીઝમાં વિજય વર્મા સાથે કૃતિકા કામરા, સાઈ તામ્હણકર, ગુલશન ગ્રોવર, સિદ્ધાર્થ જાધવ, ભૂપેન્દ્ર જાદાવત, ભરત જાધવ, ગિરીશ કુલકર્ણી, જેમી લિવર, કિશોર કદમ, સાઇરસ સાહુકાર, અર્પિતા સેઠિયા, સંભાજી તાંગડે, સંજીવ જોતાંગિયા અને સિમરન અશ્વિની જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે.
નાગરાજ મંજુલેએ દિગ્દર્શિત આ સિરીઝ 17 એપ્રિલે પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે, અને વિશ્વભરમાં 240 દેશોમાં સ્ટ્રીમ થશે.



