0

Share

બિહારી લઠ્ઠાકાંડના પડછાયા…

Post details:

ree


ભારત પ્રદેશોનો બનેલો દેશ છે, એટલે ભારતમાંથી પ્રાદેશિકતા કદી પણ લુપ્ત થવાની નથી. જેમ કલા, સાહિત્ય, સંગીતમાં એમ સંસ્કૃતિમાં પણ પ્રાદેશિકતા જળવાયેલી હોય છે. એમ રાજકીય ક્ષેત્રે પણ પ્રાદેશિકતા હોઈ શકે છે. આ વાતનો સ્વીકાર રાષ્ટ્રીય પક્ષો માટે કરવાનો અઘરો છે. રાષ્ટ્રીય પક્ષો છેક ઇન્દિરાજીના જમાનાથી એમ માનતા આવ્યા છે કે અમારા રંગમાં બધા રંગ ભળી જવા જોઈએ. પરંતુ ક્યારેક એવી ઘટના બને છે કે વિશાળ આકાશમાં એકાદ પંખીનો પોતાનો આગવો અવાજ પડઘાય છે અને એનું ઉડ્ડયન લોક નજરે ચડે છે. તો પણ કોંગ્રેસની તુલનામાં ભાજપની યુતિ વિચારધારા ઘણી જ વિકસેલી અને કેળવાયેલી છે. કયા પ્રદેશમાં કોની સાથે કઈ રીતે સત્તાના એક જ આસન પર બેસવું અને સિંહાસનમાં કઈ રીતે ભાગીદારી કરવી એમાં ભાજપ આજ સુધીના સર્વ રાજકીય પક્ષોમાં એક્કો સાબિત થયેલો છે. બિહારના નવા ઘટનાક્રમમાં એક પ્રાદેશિક પક્ષે એક રાષ્ટ્રીય પક્ષ સામે જે બળવો પોકાર્યો છે તે એક રીતે તો પ્રાદેશિકતાના પુનર્જન્મની કહાની છે અને કહાનીમાં ઘણું રિમિક્સ છે. એક તરફ નીતિશ કુમાર દેશની ક્ષિતિજે રખડે છે ત્યારે એના ઘર આંગણે મોતિહારીમાં સર્જાયેલા લઠ્ઠાકાંડે એને નવી આપત્તિમાં ઘેરી લીધા છે. ભાજપના નેતાઓ લઠ્ઠાકાંડના ભોગ બનેલા જીવિતો અને મૃતકોના પરિજનો પર ચકરાવા લઈ રહ્યા છે. નીતિશકુમાર એક જમાનામાં સુશાસનબાબુ કહેવાતા હતા. હવેની ઘટનાઓ એ પદવી સામેના મોટા પ્રશ્નાર્થ બની રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાના અગાઉના પ્રાદેશિક પક્ષો વિરુદ્ધના ઉચ્ચારણોથી બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશની ઊંઘ ઉડી ગઈ હતી. ત્યારથી તેઓ જાગતા થઈ ગયા છે. નડ્ડાએ જાહેરમાં ભાજપના જગપ્રસિદ્ધ છતાં ગુપ્ત એવા એજન્ડાને જાહેર કરતાં કહ્યું હતું કે ભાજપનો હેતુ પ્રાદેશિક પક્ષોનો અંત લાવવાનો છે. તેમના આ વિધાનથી રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) અને જનતાદળ યુનાઈટેડ (જેડીયુ)એ ભૂગર્ભ પ્રવૃત્તિઓ આરંભી હતી. બિહારમાં કંઇક ભીતરી ધૂમાડો છે એ વાત સહુ જાણતા હતા છતાં ભાજપનો આત્મવિશ્વાસ વધારે પડતો હતો. રાજદ, કોંગ્રેસ સહિતના વિવિધ સાત-આઠ પક્ષોનું જોડાણ રચીને નીતિશ આઠમી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા. એ જ ભૂમિકા પર હવે તેઓ રાષ્ટ્રીય સ્તરે પ્રાદેશિક પક્ષોનું એક આગવું નેટવર્ક સ્થાપી રહ્યા છે. નીતિશની દિલ્હી તરફની ઉડાઉડ વધી ગઈ છે. આ સપ્તાહે નીતિશ અને મમતા બેનરજી વચ્ચે એક મહત્ત્વની મિટિંગ યોજાવાની ધારણા છે. ઘણા લાંબા સમય પછી મહાગઠબંધનની વિભાવના એકાએક જ સજીવન થઈ. દેશભરના પ્રાદેશિક પક્ષો જે પૂંછડી દબાવીને બેઠા હતા એ એકાએક જ સપ્રાણ થયા અને નવા બિહાર મોડેલની ચર્ચા કરવા લાગ્યા. નાયબ મુખ્ય પ્રધાન તરીકે તેજસ્વી યાદવનો અભ્યુદય આ ઘટનાક્રમની વધુ એક ફલશ્રુતિ છે. ભારતના રાજકારણના એક જીવંત મ્યુઝિયમનો દરજ્જો બિહાર હવે ભોગવે છે. નીતિશ કુમાર કેટલી વાર ભાજપ સાથે બેઠા અને કેટલી વખત રાજદ સાથે એની તો એક સ્વતંત્ર પારાયણ થાય એમ છે. ભાજપ આજે પણ બિહારમાં મરાઠા મોડેલ પ્રમાણે એક નવા પ્રાદેશિક શિંદેને શોધે છે પણ એનો હજુ પત્તો નથી. મહાગઠબંધનના જમેલામાં જેમ મમતા પોતાને વડાપ્રધાન પદના ભાવિ ઉમેદવાર માને છે એમ નીતિશ પણ દૂરના ભવિષ્યના દાવેદાર છે. પ્રિયંકા ગાંધી તો દર્પણની પાછળ રહીને ઈન્દિરા ગાંધીનો અણસાર પોતાનામાં શોધે છે. બાજીરાવ મસ્તાનીનો ડાયલોગ છે કે પિતા કી પઘડી પહનને સે પિતા કી બુદ્ધિ તો પુત્ર મેં નહિ આ જાતી. ચંદન કે વૃક્ષ કો ભી સુગંધ દેને કે લિયે એક ઉમ્ર કી આવશ્યકતા હોતી હૈ. પણ એ ઉમ્ર સુધી તેજસ્વી યાદવ પહોંચી ગયા છે અને એના પિતાથી સવાઈ બુદ્ધિ ધરાવતા થયા છે. છેલ્લા છએક મહિનાથી બિહાર રાજ્ય સરકારની ફાઈલો કેન્દ્રના વિવિધ મંત્રાલયોમાં ધીમી પડી ગઈ હતી. ભાજપ હાઈકમાન્ડના ઈશારે બિહાર સરકારની ફાઈલોને કાચબાની પીઠ પર મૂકવામાં આવતી હતી. એનાથી નીતિશની સુશાસન બાબુ તરીકેની છાપ ઝાંખી પડવા લાગી હતી. નીતિશ કુમારે એક સાથે ઘણાક આક્ષેપો ભાજપ પર કર્યાં છે. મુખ્ય આક્ષેપ તો એ જ છે કે ભારતીય જનતા પક્ષ બિહારમાં પણ નવા મરાઠા મોડેલનો અમલ કરી જેડીયુના ધારાસભ્યોની જથ્થાબંધ ખરીદી કરવા ચાહતો હતો. બિહાર સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીના મુખ્યમંત્રી થવાના સુહાના સપના હાલ તો વિચ્છિન્ન થઈ ગયા છે.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.