નાસિકમાં એક જાણીતી કંપનીમાં મહિલાઓ પર થયેલા અત્યાચાર અને કથિત ધર્મ પરિવર્તન સંબંધિત ગંભીર કેસમાં પોલીસ કાર્યવાહી તેજ બની છે. મુંબઈ નાકા અને દેવલાલી પોલીસ સ્ટેશનમાં આ મામલે કુલ આઠ લોકો સામે ગુનો નોંધાયો છે, જેમાંથી સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જોકે, કેસની મુખ્ય સૂત્રધાર તરીકે નામ સામે આવેલી નિદા ખાન છેલ્લા 20 દિવસથી ફરાર છે.
કંપનીમાં ગોઠવાયેલું કાવતરું
પોલીસ તપાસ મુજબ, નિદા ખાન કંપનીમાં મેનેજર અને ટીમ લીડર તરીકે કાર્યરત હતી અને આરોપ છે કે તેણે સમગ્ર કાવતરું સુવ્યવસ્થિત રીતે ગોઠવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કેટલીક યુવતીઓ પર માનસિક દબાણ અને કથિત સતામણી કરીને તેમને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત અથવા દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.
દરરોજ યોજાતી બેઠકો, આયોજનબદ્ધ પ્રવૃત્તિ
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ વચ્ચે નિયમિત બેઠકો યોજાતી હતી, જેમાં દિવસભરના ‘ટાર્ગેટ’ અને પ્રવૃત્તિઓ અંગે ચર્ચા થતી હતી. પોલીસને શંકા છે કે આ પ્રવૃત્તિઓ સંકલિત રીતે ચલાવવામાં આવી રહી હતી.
વોટ્સએપ ગ્રુપ મારફતે સંચાલનનો ખુલાસો
પોલીસ સૂત્રો મુજબ, આ સમગ્ર નેટવર્ક વોટ્સએપ ગ્રુપ દ્વારા સંચાલિત થતું હોવાનો પણ ખુલાસો થયો છે. આથી કેસમાં વધુ વ્યાપક ગેંગ અથવા સંભવિત નેટવર્ક જોડાયેલ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
HR સહિત અનેકની ધરપકડ
આ કેસમાં કંપનીના HR અશ્વિની ચૈનાની સહિત સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં છ પુરુષ અને બે મહિલા આરોપીઓનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે.
મુખ્ય આરોપીની શોધખોળ માટે ત્રણ ટીમ તૈનાત
ફરાર નિદા ખાનની શોધ માટે પોલીસે ત્રણ અલગ અલગ ટીમો બનાવી છે. જોકે હજુ સુધી તેનું ચોક્કસ સ્થાન મળી શક્યું નથી.
તપાસ ચાલુ, વધુ ખુલાસાની સંભાવના
પોલીસે જણાવ્યું છે કે આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે અને અન્ય સંડોવાયેલા લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
