0

Share

જાપાનના વડાપ્રધાન પર હુમલો…

Post details:


ree

જાપાનની ઇમેજ આખી દુનિયામાં શાંત અને સહનશીલ દેશની છે. બીજા વિશ્વ યુદ્ધના સૌથી ખરાબ પરિણામો જાપાને ભોગવ્યા છે. હિરોશીમા અને નાગાસાકી પર અમેરિકાએ પરમાણુ બોંબ ફેંક્યા એ પછી જાપાનને એક વાત સમજાઇ ગઇ હતી કે, યુદ્ધ અને હિંસાથી નુકશાન અને વિનાશ સિવાય બીજું કંઇ થતું નથી. આવી બધી પ્રવૃતિથી દૂર રહેવામાં જ માલ છે. જાપાનમાં છાશવારે ધરતીકંપ આવતા રહે છે. સુનામી જેવી ભયંકર કુદરતી આફતોનો જાપાને સામનો કર્યો છે. જાપાનના લોકો મહેનત કરવામાં માને છે. જાપાનમાં માફિયા અને અંડરવર્લ્ડ છે પણ એનાથી સામાન્ય માણસને કોઇ ફેર પડતો નથી. આખી દુનિયામાં આતંકવાદનો ખતરો મંડરાયેલો રહે છે પણ જાપાનમાં આતંકવાદ કંટ્રોલમાં છે. આવા જાપાનમાં વડાપ્રધાન પર જાહેરમાં હુમલો થાય એ ઘટના વિચારતા કરી મૂકે એવી છે. જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્જો આબેની હત્યાને હજુ એક વર્ષ નથી થયું ત્યાં વડાપ્રધાન ફુમિયો કીશિદા પર હુમલો કરવામાં આવ્યો. સદ્નસીબે વડાપ્રધાન ફુમિયાને ઉની આંચ નથી આવી પણ આ ઘટનાએ જાપાન માટે ચિંતાઓ તો પેદા કરી જ છે. જાપાનમાં વડાપ્રધાન અને બીજા નેતાઓ કોઇપણ શહેરના ચોકમાં આરામથી ઊભા રહીને લોકોને સંબોધે છે. શિન્જો આબેની હત્યા બાદ હજુયે સિક્યોરિટી ટાઇટ રાખવામાં આવે છે, અગાઉ તો સલામતિની પણ ખાસ કોઇ જરૂર પડતી નહોતી. શિન્જો આબેનો હત્યારો આરામથી તેની પાછળ ઊભો હતો અને કોઇને કંઇ સમજાય એ પહેલા જ તેણે શિન્જો આબે પર ફાયરિંગ કર્યું હતું. વડાપ્રધાન ફુમિયો કીશિદા જાપાનના વાકાયામા પ્રાંતના સેકજાઇ બંદરની મુલાકાતે ગયા હતા. તેઓ લોકોને સંબોધન કરવાની તૈયારી કરતા હતા ત્યાં જ એક વ્યક્તિએ તેના પર સ્મોક બોંબ જેવું કંઇક ફેંક્યું હતું. આ ઘટના બાદ ધડાકો પણ સંભળાયો હતો. આ માણસ કોણ હતો અને તેણે વડાપ્રધાન ફુમિયો પર શા માટે હુમલો કર્યો તેના વિશે ધીમે ધીમે વિગતો બહાર આવી રહી છે. જાપાનના વડાપ્રધાન ફુમિયો કીશિદા પર એવા સમયે હુમલો થયો છે જ્યારે જાપાન જી-7 દેશોના વડાઓની બેઠકની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. આવતા મહિને તારીખ 19થી 21મી મે, 2023 દરમિયાન જાપાનમાં જી-7 દેશોની બેઠક મળવાની છે. અમેરિકાના પરમાણુ હુમલાના કારણે આખી દુનિયામાં જાણીતા બનેલા જાપાનના હિરોશીમા શહેરમાં જી-7ની બેઠક યોજાઇ છે. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો, ફ્રાંસના પ્રેસિડેન્ટ ઇમેનુઅલ મૈક્રોં, જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝ, ઇટાલીના પ્રેસિડેન્ટ સર્જિયો માતારેલા અને યુરોપિયન યુનિયનના નેતાઓ આ બેઠકમાં હાજરી આપવાના છે. જાપાનના વડાપ્રધાન ફુમિયો કીશિદા ગયા મહિને જ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જી-7ની બેઠકમાં હાજરી આપવાનું આમંત્રણ પાઠવ્યું હતું. વડાપ્રધાન મોદીએ આ આમંત્રણ સ્વીકાર્યું છે અને મોદી પણ જી-7 બેઠકમાં હાજરી આપવા જાપાન જવાના છે. જાપાન ભારતનું મિત્ર છે. ક્વાડ એટલે કે ક્વાડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગમાં અમેરિકા, ભારત અને ઓસ્ટ્રિલયા સાથે જાપાન ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યું છે. જાપાનના વડાપ્રધાન ફુમિયો કીશિદા ભારતની મુલાકાત પતાવીને સીધા યૂક્રેન ગયા હતા અને યૂક્રેનના પ્રેસિડેન્ટ વોલોદીમિર ઝેલેન્સ્કીને મળ્યા હતા. ફૂમિયો કીશિદાએ યૂક્રેનની મુલાકાત એવા સમયે લીધી હતી જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ રશિયાની મુલાકાતે ગયા હતા. ફુમિયાની યૂક્રેન મુલાકાતે આખી દુનિયામાં સારી એવી ચર્ચા જગાવી હતી. જાપાનમાં શિન્જો આબેની હત્યા અને હવે વડાપ્રધાન ફૂમિયો કીશિદા પર હુમલા બાદ આંતરિક સુરક્ષામાં પણ ધરમૂળથી ફેરફારો થાય એવી શક્યતાઓ છે. આમ તો શિન્જો આબેની હત્યા પછી જ એવું કહેવાયું હતું કે, હવે નેતાઓ માટે આરામથી ફરવાના દિવસો પૂરા થયા છે. શિન્જો આબેની હત્યા તો સાવ વાહિયાત કારણે થઇ હતી. કોઇ ભેજાગેપ માણસ કંઇ પણ કરી શકે છે. જાપાનના લોકોમાં હતાશાનું પ્રમાણ વધતું જાય છે. લોકોમાં એકલા રહેવાનું વલણ વધતું જાય છે અને એકલતાના કારણે તેમના સ્વભાવમાં જબરજસ્ત પરિવર્તન જોવા મળી રહ્યું છે. જાપાનમાં હિકીકોમોરી નામે જાણીતીમાનસિક સમસ્યા વધી રહી છે. લોકો પોતાને ઘરમાં પૂરી રાખે છે. ગયા વર્ષે જાપાનમાં એક સ્ટડી થયો હતો. 10થી 69 વર્ષના 30 હજારથી વધુ લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે, બે ટકા લોકો હતાશા, ચિંતા અને અસલામતિનો ભોગ બનેલા છે. હતાશાનું કારણ તૂટેલા સંબંધો, પારિવારિક ઝઘડાઓ અને નોકરીઓ ગુમાવવી છે. જાપાનના લોકો નવા સંબંધો બાંધવાથી ભાગી રહ્યા છે. જાપાને તો પોતાને ત્યાં લોનલીનેસ મિનિસ્ટ્રી બનાવી છે જે લોકોને એક-બીજા સાથે મળવાની પ્રેરણા પૂરી પાડવાનું કામ કરે છે. હતાશા માણસને કંઇ પણ કરવા માટે પ્રેરે છે. જાપાનમાં વડાપ્રધાન પર હુમલા જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે નવેસરથી વિચારીને કામ કરવું પડશે, જો એવું નહીં થાય તો આવી ઘટનાઓ વધતી જશે!

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.