0

Share

જિનપિંગની રશિયા મુલાકાતથી અનેક તર્કવિતર્ક….

Post details:


ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તારીખ 20થી 22 માર્ચ સુધી રશિયાની મુલાકાતે જઇ રહ્યા છે. જિનપિંગની આ મુલાકાત પર અમેરિકા તીણી નજર માંડીને બેઠું છે. અમેરિકાને એ વાતનો ડર છે કે, ક્યાંક પુટિન અને જિનપિંગ સાથે મળીને શસ્ત્રોના સોદા ન કરે! ચીન તો એવું કહે છે કે, અમારો ઇરાદો યુદ્ધ ખતમ થાય એવો છે. અમે તો મધ્યસ્થી બનવા ઇચ્છીએ છીએ. થોડા દિવસ અગાઉ ચીને યુદ્ધ રોકવા માટે પીસ પ્લાન રજૂ કર્યો હતો. કોઇએ કહ્યું નહોતું તો પણ ચીન સામે ચાલીને દોઢ ડાહ્યું થયું હતું. ચીને પોતાના પીસ પ્લાનમાં 12 પોઇન્ટસ સ્ટ્રેટેજીથી યુદ્ધ ખતમ કરવાની યોજના આપી હતી. યુદ્ધ રોકવાની વાત સારી છે પણ ચીન પર કોઇને ભરોસો નથી. ચીન ડાહી ડાહી વાતો કરે છે પણ એના દિમાગમાં ખુરાફાતી યોજનાઓ ચાલતી હોય છે. શું જિનપિંગ પુટિનને યુદ્ધ પૂરું કરવા સમજાવશે કે પછી શસ્ત્રો આપવાની વાત કરશે ? દુનિયાને એ વાતની ચિંતા છે કે, જિનપિંગે જો શસ્ત્રો આપ્યા તો વાત વિશ્વ યુદ્ધ સુધી પહોંચી શકે છે. આખી દુનિયા અત્યારે ઓલરેડી હેરાન પરેશાન છે. અમેરિકા સહિત દરેક દેશના અર્થતંત્રો ખખડી ગયા છે. અમેરિકામાં એક પછી એક બેંકના ઉઠમણાં થઇ રહ્યા છે. અર્થશાસ્ત્રીઓ એવી આગાહી કરે છે કે, અમેરિકા પર મંદી તોળાઇ રહી છે. આવા સંજોગોમાં યુદ્ધ પતે એવા પ્રયાસો થવા જોઇએ પણ યુદ્ધ વકરે એવા જ કરતૂતો થઇ રહ્યા છે. વાત ક્યાં જઇને અટકશે એ કહેવું વધુને વધુ અઘરું બનતું જાય છે. યુદ્ધ પતાવવા માટે મધ્યસ્થી બનવાના મુદ્દે પણ રાજકારણ ખેલાઇ રહ્યું છે. યુદ્ધ સમાપ્ત કરવાનો યશ કોને મળે એ પણ મહત્ત્વનો મુદ્દો છે. અમેરિકાથી ક્યારેય એ વાત સહન થવાની નથી કે, યુદ્ધ સમાપ્તિનો યશ ચીનને મળે. ચીનનું જરાયે સારું થાય કે દુનિયાનો કોઇ દેશ ચીનના વખાણ કરે એ અમેરિકાથી સહન થાય એમ નથી. ચીનના પીસ પ્લાનમાં પણ એવું કંઇ નથી જેનાથી રશિયા અને યૂક્રેન વાત કરવા પણ તૈયાર થાય. એમ તો અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેને ઘણા સમય પહેલા જ એવું કહ્યું હતું કે, રશિયા જો યુદ્ધનો અંત આણવા ઇચ્છતું હોય તો હું રશિયન પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન સાથે વાત કરવા તૈયાર છું. બાઇડેને થોડીક શરતો મૂકી હતી. સૌથી મોટી શરત એ હતી કે, પુટિન યૂક્રેનમાંથી પોતાની સેના પાછી બોલાવી લે. યૂક્રેનના જે વિસ્તારો પર કબજો કર્યો છે એ ખાલી કરી દે. પુટિને બાઇડેનની ઓફર મામલે એવું કહ્યું હતું કે, બાકીની બધી વાત સાચી પણ સેનાને પાછી બોલાવવાની વાત ખોટી!સમાધાનની વાત ત્યાં જ અટકી ગઇ હતી. બાઇડેન મધ્યસ્થી ન બની શક્યા અને હવે એ ચીનને પણ મધ્યસ્થી બનવા દે એવું લાગતું નથી. જિનપિંગ વિશે પણ એવું અનુમાન જ થઇ રહ્યું છે કે, જિનપિંગ રશિયાની મુલાકાત દરમિયાન ડાહી ડાહી વાતો કરશે, બાકી કંઇ થવાનું નથી. અમેરિકાના પ્રેસિડેન્ટ બાઇડેન થોડા દિવસો પહેલા અચાનક જ યૂક્રેનની મુલાકાતે પહોંચી ગયા હતા. સ્વાભાવિક રીતે જ બાઇડનની યૂક્રેન મુલાકાત પુટિનથી સહન થઇ ન હોય. જિનપિંગને રશિયા બોલાવીને પુટિન એ પણ સાબિત કરવા માંગે છે કે, અમે પણ કંઇ એકલા નથી. આપણો દેશ અત્યારે શાંતિથી બધા ખેલ જોઇ રહ્યો છે. ભારત વિશે એવી વાતો થતી રહે છે કે, ભારત યુદ્ધ ખતમ કરવા માટે પુટિનને સમજાવે. ભારતને કોઇ જશ મળે એ ચીનને પરવડે એમ નથી. પુટિનને કોઇ સમજાવે એને પુટિન માની જાય એ વાતમાં પણ કોઇને દમ લાગતો નથી. યુદ્ધ શરૂ થતાં થઇ જાય છે પણ એનો અંત કોઇના હાથમાં હોતો નથી. ચાર દિવસ પછી યુદ્ધને એક વર્ષ ઉપર એક મહિનો થઇ જશે. યૂક્રેનને લડવું ફાવી ગયું છે. મિત્ર દેશો પાસેથી હથિયારો મળતા રહે છે અને યૂક્રેન લડતું રહે છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કી યુદ્ધના કારણે પોતાને જે નુકશાન ગયું છે એનું વળતર પણ માંગવાના મૂડમાં છે. રશિયા ભલે બહાદૂરીની વાતો કરે પણ એની હાલતેય સાપે છછુંદર ગળ્યા જેવી થઇ ગઇ છે. રશિયામાં વિરોધ વધી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે, બસ બહુ થયું, હવે યુદ્ધ પૂરું કરો. અમેરિકાના લોકો પણ બાઇડેન સરકારને કહે છે કે, ક્યાં સુધી યૂક્રેનને હથિયારો આપતા રહેશો? આમને આમ તો આપણી હાલત પતલી થઇ જશે. રશિયા યુદ્ધ ખતમ કરવા માટે તેની સામે જે પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે એ હટાવવાની વાત કરવાનું છે. અમેરિકા એ વાત માનવાનું નથી. અમેરિકાનો ઇરાદો એવો છે કે, રશિયાને હવે બેઠું થવા દેવું નથી. અમેરિકાને રશિયાની હાલત બગાડવા માટે યૂક્રેનનો જોરદાર ખભો મળી ગયો છે. અમેરિકા પણ કંઇ ઓછું નથી. બધા પોતપોતાનો ફાયદો જોઇ રહ્યા છે. કોકડું એટલું ગૂંચવાયું છે કે, ઘડીકમાં મેળ પડે એવું લાગતું નથી. હવે જોઇએ, જિનપિંગ રશિયા જઇને શું ગૂલ ખીલાવે છે?જિનપિંગ યુદ્ધની આગ ઠારવાને બદલે બળતામાં ઘી હોમે એવી પૂરી શક્યતાઓ છે. દુનિયા રાહ જોઇને બેઠી છે કે, યુદ્ધ ક્યારે ખતમ થાય પણ એ સમય નજીક હોય એવા કોઇ અણસારો મળતા નથી !


ree






#news #gujaratinews #world #nations #globalrelations #globalization #China #Chinesepresident #XiJinping #Russia #Putin #SovietUnion #politcs #war #ukrainewar #Ukraine #weapons #revenue #russianrevenue #military #army #russianarmy #diplomacy #internationalrelations #government #economy #globaleconomy #recession #globalrecession #America #Joebiden #India #Narendramodi

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.