મુંબઈ પ્રતિનિધી : જાલના જિલ્લાના પારધ (ભોકરદન તાલુકો) પોલીસ સ્ટેશનમાં ૨૦૧૬થી એક યુવતીને અશ્લીલ ફોટાના આધારે બ્લેકમેઇલ કરીને અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરીને ત્રાસ આપ્યાનો ગંભીર કેસ નોંધાયો છે. આ મામલે પોલીસે મુખ્ય આરોપી સહિત બે શંકાસ્પદોની ધરપકડ કરી છે.
પીડિતા 15 વર્ષની હતી ત્યારે પાડ્યા હતા અશ્લીલ ફોટા
ફરિયાદ મુજબ, હાલ 25 વર્ષની પીડિતા જ્યારે 15 વર્ષની હતી ત્યારે આરોપી શેખ ઇમરાન શેખ હબીબે તેણીના સ્નાન દરમિયાન અશ્લીલ ફોટા પાડ્યા હતા. ત્યારબાદ આ ફોટાના આધારે યુવતીને સતત માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો.
પીડિતાને વલસાંગી, પારધ, જાલના શહેર તેમજ ભોકરદન તાલુકાના સંભાજીનગર સહિત વિવિધ સ્થળોએ હેરાન કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બુરખો પહેરવા અને કુરાન વાંચવા માટે દબાણનો આરોપ
પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેણીને બળજબરીથી કપડાં ઉતારીને બુરખો પહેરવા માટે મજબૂર કરવામાં આવતી હતી. ઉપરાંત ઉર્દૂ અને મરાઠીમાં કુરાન વાંચવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીએ વીડિયો કોલ મારફતે તેણીને નમાઝ કેવી રીતે પઢવી તે શીખવવાનો પ્રયાસ પણ કર્યો હતો.
બે આરોપીની ધરપકડ, વધુ તપાસ ચાલુ
પીડિતાની ફરિયાદના આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી શેખ ઇમરાન શેખ હબીબ તેમજ શેખ જુનૈદ શેખ હબીબની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
