0

Share

ચોમાસાની આગાહી…

Post details:


ભારતીય હવામાન ખાતાએ કહ્યું કે આ વર્ષે મધ્ય ભારતમાં એક અઠવાડિયું વહેલો વરસાદ પડશે. નવી દિલ્હી અને નોઈડાને વરસાદની જરૂર હોય છે. આ ભૂમિપ્રદેશ હવા, જમીન અને પાણી એમ ત્રણેયનું અંતિમ કક્ષાનું પ્રદૂષણ ધરાવે છે. વરસાદને કારણે પ્રદૂષિત જગ્યાને થોડી શાતા વળે છે. દિલ્હીમાં રાજકીય આબોહવા સાથે વાસ્તવિક ગરમાવો પણ બહુ રહે છે. હવામાન ખાતાએ આવનારા ચોમાસે ઉત્તર અને પશ્ચિમી ભારતમાં ભેજવાળા પવનોનો દબદબો રહેશે એવું કહ્યું છે. આ પવનો સમગ્ર દિલ્હી રાજ્ય, હરિયાણા અને રાજસ્થાનના મોટા વિસ્તારને આવરી લેશે. સામાન્યત: જુનના અંત પછી દિલ્હીનું ચોમાસુ શરૂ થતું હોય છે. આ દિવસોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ઉપર તો ભાજપ-તૃણમૂલના કાર્યકરોની અથડામણના વિવિધ કેસનું ભારે દબાણ છે, પરંતુ એ જ રાજ્યના આકાશમાં હવાનું હળવું દબાણ આગામી ચોમાસે વારંવાર રચાશે. આ હળવું દબાણ ધીમે ધીમે ઉત્તર પ્રદેશ તરફ આગળ વધતું હોય છે. તેનો અર્થ એ કે આ વરસે જુનના મધ્ય સુધીમાં ઉત્તરપ્રદેશ અને બંગાળમાં વરસાદનું ધમધોકાર આગમન થશે. જુનના અંતમાં ઉત્તર પશ્ચિમ ભારતનું તાપમાન પણ ઓછું હશે અને વરસાદ પણ સારા પ્રમાણમાં પડશે. પશ્ચિમી ઉત્તરપ્રદેશ, ઉત્તર-પૂર્વીય રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા અને દિલ્હી ઉપર તો જુનના બીજા સપ્તાહ પછી સારો વરસાદ પડશે. આ વર્ષે વરસાદ સારો વરસવાનો છે એવું તો બહુ પહેલાથી કહેવાઇ ગયું છે. તેને પરિણામે ભારતના ખેડૂતોને પણ રાહતની લાગણી થઈ છે. ગુજરાત સહિતના ઉત્તર પશ્ચિમી ભારતમાં ૧૦૩ ટકા વરસાદ પડશે એવું હવામાન ખાતાનું માનવું છે. જો એટલો વરસાદ ખરેખર પડશે તો આ ચોમાસુ સંતોષકારક કહેવાશે. આ વર્ષે રાજધાનીનો ઉનાળો બહુ આકરો શરૂ થઈ રહ્યો છે અને વિક્રમજનક છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોના ખેડૂતોને આ ચોમાસે પૂરતા પાણી માટે વરસાદની જરૂર છે. તેમના સિંચાઈના સ્ત્રોત લુપ્ત થયેલા છે. જો આગામી જુનના મધ્ય સુધીમાં મધ્ય ભારતમાં વરસાદ પડી જાય તો સારું નહીંતર એક લાંબા અંતરાલની રાહ જોવી પડશે. ઉત્તર પશ્ચિમી ભારત તો ભારતના અનાજનો કોઠાર કહેવાય છે. એટલો મબલક પાક અહીં લેવાતો હોય છે. ભારતમાં ખેતીનો આધાર હજુ પણ વરસાદ જ છે. આપણે આટલા દાયકાઓ ઇઝરાયલની ફક્ત વાતો કરી છે. ખેતીને ચોમાસાથી સ્વાયત્ત રૂપ આપી શક્યા નથી. નસીબની બલિહારી જ કહેવી પડે કે આ વર્ષે દક્ષિણ એશિયાની આબોહવા સારા ચોમાસાની તરફેણમાં છે. સરેરાશ ભારતીય ચિંતિત છે. કોરોના વાયરસને કારણે પાછલાં વરસોમાં લાખો લોકોના મૃત્યુ થયાં તો વાયરસ સિવાયના બીજા કારણોસર પણ ગત વરસમાં દરમિયાન ઘણી વ્યક્તિઓનાં મૃત્યુ થયા. ધંધા-રોજગારમાં ઘટાડો થયો હતો. હવે જ્યારે ભારતીય જિંદગી પાટે ચડી છે ત્યારે કોરોનાએ નવો ફૂંફાડો મારીને દેશમાં નવો ભય ફેલાવ્યો છે.

મંદીમાંથી તબક્કાવાર બહાર આવી રહેલા દેશના આ ઈકોનોમિક માહોલમાં સારો વરસાદ પડવો અતિ જરૂરી છે. શિયાળો કે ઉનાળો સારો ન જાય તો ચાલે પણ આવતા આખા વર્ષનો આધાર વરસાદ ઉપર હોય છે. શેરબજારના ખેલાડીઓ પણ વરસાદ ઉપર આધાર રાખતા હોય છે. વરસાદ બધાને પાણી સિવાય એક નવી અપેક્ષા આપે છે, ઉત્સાહનો સંચાર કરે છે. વાયરસને લીધે જે હતાશાનો વ્યાપ વધ્યો હતો એની સામે આ વખતનું સારું ચોમાસુ બધાને શાતા આપે તે જરૂરી છે. આ વરસે અલ નીનોની અસરમાં ચોમાસુ વિક્ષિપ્ત થવાના સંકેતો સ્કાયમેટ જેવી ખાનગી હવામાન કંપનીઓએ આપેલા છે તો પણ સરેરાશ ચોમાસુ ફળદાયી નીવડવાનો અણસાર છે….

ree


Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.