0

Share

કોરોનાની પુનઃ દસ્તક?

Post details:


દરરોજ આંકડાઓ વધતા જાય છે. સરકારે હજુ માસ્કને ફરજિયાત પહેરવાનો હુકમ કર્યો નથી. મહામારીએ વ્યાવસાયિક જગતને સાવ પ્રતિકૂળ બનાવી નાખ્યું. એટલે જ ૨૦૧૯ કરતા ૨૦૨૦ અને ૨૦૨૧માં આત્મઘાતક કિસ્સાઓની સંખ્યામાં ત્રીસ ટકા જેટલો વધારો થયો હતો. આ વધારાને કોઈ સર્વેક્ષણ સમજાવી શકે એમ નથી, પણ દેખીતી વાત છે કે આપઘાતના પ્રમાણદરમાં વધારાનું મુખ્ય કારણ આર્થિક સંકડાશ છે અને એ સંકડાશમાં કોરોનાએ સૌને લાચાર બનાવી નાખ્યા છે. જો સમાજમાં સાર્વત્રિક સહાનુભૂતિ વિશેષ હોય તો જ મુંઝવણનો ઉકેલ જડે. ગયા વખતના લોકડાઉન દરમિયાન સરકારે જે અપેક્ષાએ મદદની જાહેરાતો કરી હતી એ મુજબ સફળતા મળી નથી. કેટલાય લોકો સુધી મદદ પહોંચી શકી ન હતી. જોકે આત્મઘાતી પગલાંને કોઈ પણ રીતે સાચું ઠેરવી શકાય નહીં, પરંતુ તણાવસભર મનોસ્થિતિમાં પહોંચી ગયેલા લોકોને આશાનું કોઈ કિરણ દેખાતું હોતું નથી. તેમના સુધી સરકાર કે બીજાં માધ્યમો દ્વારા મદદ પણ પહોંચી હોતી નથી. આર્થિક સદ્ધરતા પહેલી જરૂરિયાત છે. ભારતના વેપારક્ષેત્રની કરોડરજ્જુ મધ્યમ અને નાના કદનાં ઉત્પાદન અને વ્યાપારોથી બનેલી છે. આ એકમો પાસે એટલા બધા પૈસા સિલકમાં નથી હોતા કે થોડા મહિના કે એક-બે વર્ષ ધંધો બંધ રહે તો તેઓનું ગુજરાન ચાલે. તેઓને તો દર મહિને એક ચોક્કસ આવકની આવશ્યકતા હોય જ છે. આવક બંધ થઈ જાય અને દેવું વધી જાય તો આવા સંજોગોમાં ભાગ્યે જ કોઈ દેવદૂત બનીને વહારે આવતું હોય છે. ઘરમાં જીવનસાથી અથવા દીકરો કે દીકરી થોડુંઘણું કમાતા હોય તો જીવનના આ મોટા સંકટમાંથી ઉગરી જવાય છે અને શૂળીનો ઘા સોયથી ટળે છે, પણ તેઓ કે નિકટના અન્ય સગા-વહાલા-મિત્રોનો આધાર ન હોય તો સંયોગો લોકોને ખોટા પગલાં લેવા તરફ દોરી જાય છે. આ સંસારમાં જિંદગી જેવી મહામૂલી હયાતી બીજી કોઈ નથી, ચાહે એ જિંદગી એક છેવાડાના મહેનતકશની હોય કે રાજાધિરાજની હોય. નવેસરથી કોરોનાએ ફૂંફાડો માર્યો છે. બેરોજગારી પણ એક ભીષણ આર્થિક વાયરસ છે. હમણાં જ સરકારે સંસદમાં એ જાણકારી આપી કે પ્રથમ શ્રેણીનાં નવ ક્ષેત્રોમાં ત્રેવીસ લાખથી વધુ લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે. હવે સંગઠિત ક્ષેત્રોમાં આ પરિસ્થિતિ છે તો અસંગઠિત ક્ષેત્રોમાં તો ખાધાખોરાકીના પણ વાંધા હશે તે સમજી શકાય છે. હવે જો આ સંજોગો ન બદલાયા તો આવનારા દિવસોમાં કેવી ખરાબ સ્થિતિનું સર્જન થશે? અર્થવ્યવસ્થાની તેજ ગતિ અને વિકાસની નારાબાજી વચ્ચે આવી જોખમી સંભાવનાઓ વિરોધાભાસ સમાન લાગે છે. સમગ્ર જગત મહામારીની ચુંગાલમાં સપડાઈ ગયું છે. ક્યાંક વધુ તો ક્યાંક ઓછું. એની પકડ નાગચૂડ જેવી છે. ભારત પણ તેમાં બાકાત નથી. પહેલી અને બીજી લહેર વખતે બધે કેવી ખરાબ અસર હતી તે આપણે જાણીએ છીએ. મુશ્કેલીઓની વિપતવેળાનો ડગલે ને પગલે આપણે સાક્ષાત્કાર કર્યો છે. કપરા અનુભવો પરથી એ જ્ઞાાન લાધ્યું છે કે આ મહામારીનો રામબાણ ઉકેલ લોકડાઉન નથી. લોકડાઉન બીજી સમસ્યાઓ ઊભી કરે છે. એવી સમસ્યાઓ કે જેનો સામનો કરવા માટે પ્રશાસન કે પ્રજા સજ્જ નથી અને અગાઉ પણ ન હતી. કામદારોના રક્તરંજિત ચરણોની વિષાદગાથા દેશના તમામ હાઈવે પર આલેખાયેલી છે. લોકડાઉનની આડપેદાશ રૂપે મોટી સંખ્યામાં લોકો બેરોજગાર પણ થયા, અમુક તો બેઘર પણ થયા અને બહોળી સંખ્યામાં ધંધા ઠપ્પ થઈ ગયા. દવાઓ, ટિફિન વ્યવસ્થા અને ડેરી પ્રોડક્ટ્સ સિવાય બીજા બધા કારોબાર સુષુપ્ત થઈ ગયેલા. ત્રીજી ઓમિક્રોન લહેરની સંભાવનાથી લોકો ડરે છે એનું કારણ માત્ર આરોગ્ય નથી, મહાલક્ષ્મી લાપતાગંજમાં છુપાઈ જવાની બીક પણ છે. અર્થતંત્રમાં પ્રવેશી ગયેલી ઠંડકને આપણે લોકડાઉનનું ઉપસર્જન ગણીએ છીએ, પરંતુ ઘણાં પરિવારોમાં આ આડપેદાશ જ મરણતોલ સાબિત થઈ છે. વાયરસ કરતાં પણ આર્થિક તકલીફ વધુ કાળમુખી સાબિત થતી આવી છે. લોકડાઉનની આ પરેશાનીનું પરિણામ ઘણા પરિવારોમાં આત્મઘાતક પણ નીવડયું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્ઝ બ્યુરો (એનસીઆરબી)ના તાજેતરના રિપોર્ટમાં ૨૦૧૦ અને ૨૦૨૦માં અકાળે મરણાધીન થનારાઓના આંકડા જોતા એવું લાગે કે મહામારીનો સામનો કરી રહેલા લોકોના અગ્રતાક્રમમાં અને વિશ્લેષણમાં અમુક પાસાઓને અવગણવામાં આવ્યા છે. એ આંકડાઓ ધ્રુજી જવાય એવા છે. અનાથ હોવું એ સામાજિક વિભાવના હતી, હવે તો એ અનેક સંતાનો માટે પારિવારિક સંકટ છે.


ree






#news #gujaratinews #India #virus #corona #pandemic #unepmloyment #financialcrisis #mentalhealth #economy #business #corporate #income #government #indiangovernment #narendramodi

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.