
અગાઉ નક્કી કર્યા મુજબ, મેરિટના આધારે ૨૫% અગ્નિવીરોને સંરક્ષણ દળોમાં નિયમિત રોજગારીની તક આપવામાં આવશે
બાકીના અગ્નિવીરોને તેમની ઈચ્છા મુજબ બે વર્ષના વધારાના કાર્યકાળ (engagement period) માટે તક આપવામાં આવશે
આ બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ, તમામ અગ્નિવીરોને – જો તેઓ ઈચ્છતા હોય અને પસંદગીના માપદંડો પૂર્ણ કરતા હોય તો – નિયમિત સૈનિકો તરીકે સામેલ કરવામાં આવશે
દિલ્હી
સંસ્થાકીય જરૂરિયાતો અને કાર્યકારી કાર્યક્ષમતાના સંદર્ભમાં કરવામાં આવેલા નિષ્પક્ષ મૂલ્યાંકનથી અગ્નિવીરોની કૌશલ્ય, પ્રેરણા સ્તર, શારીરિક ક્ષમતા અને તકનીકી નિપુણતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી છે. અગાઉ નક્કી કર્યા મુજબ, મેરિટના આધારે ૨૫% અગ્નિવીરોને સંરક્ષણ દળોમાં નિયમિત રોજગારીની તક આપવામાં આવશે.
વધુમાં, બાકીના ૭૫% અગ્નિવીરો માટે, ભારતીય સંરક્ષણ દળોની ભલામણ પર, કેબિનેટ દ્વારા ૨ વર્ષના વધારાના કાર્યકાળને મંજૂરી આપવામાં આવી છે. આ બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ, તમામ અગ્નિવીરોને – જો તેઓ ઈચ્છતા હોય અને પસંદગીના માપદંડો પૂર્ણ કરતા હોય તો – નિયમિત સૈનિકો તરીકે સામેલ થવાની તક આપવામાં આવશે.
ઈચ્છુક ૭૫% અગ્નિવીરો માટે બે વર્ષના વધારાના કાર્યકાળની જોગવાઈ, ઊંડાણપૂર્વક અને તર્કસંગત મૂલ્યાંકન તથા પ્રતિસાદના આધારે કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય અગ્નિવીરોની આકાંક્ષાઓ અને સંસ્થાકીય કાર્યક્ષમતા વચ્ચે સુમેળ સાધવાનો છે.
અગ્નિપથ યોજનાની સિદ્ધિઓ
અગ્નિપથ યોજનાના અમલીકરણના ચાર વર્ષ બાદ, તેની અસરકારકતા અને અગ્નિવીરોની કામગીરી અંગે વિગતવાર પ્રતિસાદ મેળવવામાં આવ્યો હતો. આ યોજનાની કેટલીક મુખ્ય સિદ્ધિઓમાં નીચેનાનો સમાવેશ થાય છે.
દેશના વિવિધ જિલ્લાઓમાં અગ્નિવીરોની ભરતીના વ્યાપમાં વધારો
વધુ પ્રમાણિત અને પારદર્શક ભરતી પ્રક્રિયા
ઉચ્ચ સ્તરીય શારીરિક ક્ષમતા, મનોબળ, પ્રેરણા, સ્પર્ધાત્મક ભાવના અને શિસ્ત
સેવા દરમિયાન કૌશલ્યોમાં વૃદ્ધિ, તકનીકી અનુકૂલનક્ષમતા અને શિક્ષણમાં સુધારો
મહિલાઓ માટે સંરક્ષણ દળોની વિવિધ શાખાઓના દ્વાર ખુલવા
આ સિદ્ધિઓના આધારે, અગ્નિપથ યોજના ચાલુ રહેશે. બીજા કાર્યકાળ (engagement period) દરમિયાન વધુ વેતન, સુધારેલું ‘સેવા નિધિ’ પેકેજ અને વરિષ્ઠતાના લાભો મળશે.
બે વર્ષના વધુ એક કાર્યકાળની જોગવાઈ અને ત્યારબાદ તમામ અગ્નિવીરોને નિયમિત સૈનિકો તરીકે સામેલ કરવાની વ્યવસ્થા દ્વારા, કેબિનેટે તમામ અગ્નિવીરોને સંરક્ષણ દળોમાં સમાવી લેવાનો માર્ગ મોકળો કર્યો છે.