0

Share

કર્ણાટકમાં આ વખતે કોનો હાથ ઉપર રહેશે ?

Post details:



કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ આખરે ફૂંકાઇ ગયું છે. કર્ણાટકમાં સત્તા જાળવી રાખવા માટે ભાજપે ક્યારનાયે પ્રયાસો આદરી દીધા છે. કોંગ્રેસ અને જેડીએસ માટે આ ચૂંટણી આર યા પારની લડાઇ જેવી છે! વિધાનસભાની છેલ્લી ચૂંટણી બાદ પાંચ વર્ષના ગાળામાં કર્ણાટકના લોકોએ ત્રણ મુખ્યમંત્રીઓ જોયા છે. લિંગાયત મતોને જાળવી રાખવા માટે ભાજપે ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી. એસ. યેદ્દીયુરપ્પાને પણ નારાજ થવા દીધા નથી! જેની ઘણા સમયથી રાહ જોવાઇ રહી હતી એ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ આખરે જાહેર થઇ ગયો છે. તારીખ 10મી મે, 2023ના રોજ એક જ તબક્કામાં રાજ્યની તમામે તમામ 224 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે. મતદારોનો ફાઇનલ ચુકાદો તારીખ 13મી મેના રોજ જાહેર થશે. ચૂંટણી ભલે હમણાં જાહેર થઇ, બાકી કર્ણાટકનું પડ તો ઘણા લાંબા સમયથી ગાજવા લાગ્યું હતું. છેલ્લે 2018માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાઇ એ પછી આ રાજ્યના લોકોએ ત્રણ મુખ્યમંત્રી જોયા છે. છેલ્લા પાંચ વર્ષમાં કર્ણાટકના રાજકારણમાં જબરજસ્ત ચડાવ ઉતાર આવ્યા છે. છેલ્લે ભારતીય જનતા પક્ષે બસવરાજ બોમ્મઇને મુખ્યમંત્રી બનાવ્યા હતા. આ વખતે પણ ભાજપ તેમની આગેવાનીમાં જ ચૂંટણી લડે છે. ભાજપની સામે કોંગ્રેસ અને જેડીએસ છે. ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગોવડા અને તેમના દીકરા એચ.ડી. કુમારસ્વામીની પાર્ટી જેડીએસ એટલે કે જનતાદળ સેક્યુલર રાજ્યના કેટલાંક વિસ્તારમાં વર્ચસ્વ ધરાવે છે. ભાજપે આ રાજ્યમાં વિકાસને જ ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે. કર્ણાટકના રાજકારણની બીજી વાતો કરતા પહેલા વિધાનસભાની ગત ચૂંટણી બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં આવેલા રસપ્રદ પરિવર્તનો પર એક આછેરી નજર નાખવા જેવી છે. કર્ણાટકમાં વિધાનસભાની કુલ બેઠકો 224 છે. સરકાર બનાવવા માટે 113 બેઠકોની જરૂર રહે છે. આ રાજ્યમાં ત્રિપાંખિયો જંગ થાય છે અને બીજા નાના પક્ષો પણ મેદાનમાં હોય છે. ગત ચૂંટણી બાદ રાજ્યમાં માત્ર 37 બેઠકો મેળવનાર જેડીએસના કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા હતા. ભાજપને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસે કુમારસ્વામી પર દાવ ખેલ્યો હતો. જો કે, બંનેના ગઠબંધનનું ગાડું લાંબું ચાલ્યું નહોતું. ભારતીય જનતા પક્ષને 103 બેઠક મળી હતી. સરકાર રચવા માટે ભાજપને માત્ર નવ બેઠકોનું છેટું પડી ગયું હતું. ભાજપ સૌથી મોટી પાર્ટી હતી એટલે એ વખતના રાજ્યપાલ વજુભાઇ વાળાએ ભાજપના બી. એસ. યેદ્દીયુરપ્પાને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું અને યેદ્દીયુરપ્પાને મુખ્યમંત્રી તરીકે શપથ પણ લેવડાવી દીધા હતા. કોંગ્રેસને 80 બેઠકો મળી હતી. જેડીએસની 37 બેઠકો હતી. બંનેનો સરવાળો 117 થતો હતો. કોંગ્રેસે જેડીએસને સાથે મળીને સરકાર રચવાની ઓફર કરી હતી. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. યેદ્દીયુરપ્પા વિધાનસભા ગૃહમાં બહુમતી સાબિત કરી શકે એમ નહોતા એટલે તેમણે રાજીનામું ધરી દેવું પડ્યું હતું. કુમારસ્વામીનું નસીબ જોર કરતું હતું એટલે ત્રીજા નંબરની પાર્ટી હોવા છતાં તેમને મુખ્યમંત્રી બનવા મળ્યું હતું. કોંગ્રેસ અને જેડીએસની સરકાર બની એ સમયથી ભાજપના યેદ્દીયુરપ્પાએ સરકારને તોડી પોતાની સરકાર રચવાના ખેલ શરૂ કરી દીધા હતા. એક-બે વખત તો સફળતા મળી નહોતી પણ આખરે કોંગ્રેસના પંદર ધારાસભ્યોને તોડીને કુમારસ્વામીની સરકાર ગબડાવી દીધી હતી. યેદ્દીયુરપ્પા મુખ્યમંત્રી બન્યા હતા. જુલાઇ, 2019માં જ્યારે યેદ્દીયુરપ્પા મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની ઉંમર 76 વર્ષની હતી. સામાન્ય સંજોગોમાં ભાજપ આ ઉંમરના નેતાઓને રિટાયર્ડ કરી દે છે પણ યેદ્દીયુરપ્પાની વાત અલગ હતી. કર્ણાટકના લિંગાયત મતદારો પર તેમની જબરજસ્ત પકડ છે. અલબત્ત, મુખ્યમંત્રી બનાવ્યા પછી થોડા જ સમયમાં ભાજપે તેમને સમજાવી પટાવીને રાજીનામું આપવા તૈયાર કરી દીધા હતા અને બસવરાજ બોમ્મઇને મુખ્યમંત્રી બનાવ્યા હતા. આજની તારીખે પણ ભારતીય જનતા પક્ષ યેદ્દીયુરપ્પા નારાજ ન થાય એની પૂરેપૂરી દરકાર રાખે છે. આ વખતની ચૂંટણીના મુખ્ય મદ્દા ક્યા છે? કરપ્શનનો મુદ્દો આ વખતે કેટલો ભાગ ભજવશે એની ખૂબ ચર્ચા થઇ રહી છે. કરપ્શન સિવાય બીજો મુદ્દો અનામતનો છે. બસવરાજ બોમ્મઇની સરકારે મુસ્લિમો માટેના અનામતમાંથી 4 ટકા ઓછા કરી નાખ્યા હતા અને એ અનામત લિંગાયત અને વોક્કોલિગા સમુદાયની બે જાતિઓ વચ્ચે વહેંચી દીધી હતી. જ્યારે આ થયું ત્યારે આ ઘટનાને ભાજપના માસ્ટર સ્ટ્રોક કહેવામાં આવ્યો હતો. જોવાનું એ રહે છે કે, ભાજપને આનો કેટલો ફાયદો મળે છે ? કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું એ વાત કોંગ્રેસ ચગાવાવનો પ્રયાસ કરશે. ભાજપના નેતાઓનું તેના વિશે એવું કહેવું છે કે, એ મુદ્દો વિધાનસભાની ચૂંટણીમાં બહુ ચાલવાનો નથી, એનું કારણ એ છે કે વિધાનસભાની ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ પર લડાતી હોય છે. કોંગ્રેસનું કેટલાંક વિસ્તારમાં પ્રભુત્ત્વ ચોક્કસ છે પણ કર્ણાટકમાં કોંગ્રેસે જેટલી એક્ટિવ રહેવું જોઇએ એટલી રહી નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકના છે એટલે આ ચૂંટણી તેમના માટે પણ મહત્ત્વની સાબિત થવાની છે. પોતાના હોમ સ્ટેટમાં ખડગે કોંગ્રેસને ક્યાં લઇ જાય છે એના પરથી તેમની કાબેલિયતનું મૂલ્યાંકન થવાનું છે. ભાજપ આ રાજ્યમાં જોરમાં છે. ભાજપ વિકાસને આગળ ધરીને કહે છે કે, અગાઉ જેમની સરકારો હતી તેમણે કેટલું ઉકાળ્યું છે એ બધા જાણે છે. હવે દોઢ મહિનો કર્ણાટકનું રાજકારણ આખા દેશમાં ગાજતું રહેવાનું છે!”


ree








#news #gujaratinews #India #politics #BJP #Congress #JDS #assemblyelections #elections #voting #parliament #legislativeassembly #Yediyurappa #Karnataka #diplomacy #corruption #community #government #democracy #indiangovernment #narendramodi

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.