એક આશ્રિત સગીર છોકરી અને તેની મોટી બહેનને વેશ્યાવૃત્તિમાં ધકેલીને તેમાંથી ગુજરાન ચલાવનાર પતિ-પત્નીને બેલાપુરની જિલ્લા અને વધારાની સત્ર અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે બંનેને ₹33 હજારનો દંડ ફટકાર્યો છે અને દંડ ન ભરવામાં આવે તો વધારાની 6 મહિનાની સખત કેદની સજા પણ ફરમાવી છે.
આ કેસમાં આરોપી રાજેશ સોનાજી શિંદે (42) અને તેની પત્ની શુભાંગી સોનાજી શિંદે (37) સામે ગંભીર આરોપો સાબિત થયા હતા. નોંધનીય છે કે બાળ જાતીય શોષણ નિવારણ કાયદો (POCSO) અને બળજબરીથી વેશ્યાવૃત્તિ (PITA) હેઠળ એક જ કેસમાં આવી કડક સજા આપવાનો આ દુર્લભ કિસ્સો માનવામાં આવે છે.
માહિતી મુજબ, વર્ષ 2019માં રબાલે પોલીસ સ્ટેશન હેઠળના અનૈતિક માનવ તસ્કરી નિવારણ વિભાગે એક ઓપરેશન દરમિયાન બે બહેનોને બચાવી હતી. પીડિતાઓએ પોલીસને જણાવ્યું હતું કે માતાપિતાના અવસાન બાદ તેઓ તેમના સગા રાજેશ અને શુભાંગી શિંદે સાથે રહેતા હતા. શાળામાં જવાની વય હોવા છતાં, શિંદે દંપતીએ તેમને વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધા હતા. જેમાંથી એક છોકરી સગીર હોવા છતાં તેને પણ આ કૃત્ય માટે મજબૂર કરવામાં આવી રહી હતી.
આ મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 370 (માનવ તસ્કરી), પોસ્કો કાયદાની કલમ 4, 6 અને 17 તેમજ અનૈતિક માનવ વેપાર નિવારણ કાયદા (PITA) હેઠળ ગુનો નોંધ્યો હતો. બંને આરોપીઓને ધરપકડ બાદ રાજેશ શિંદેને તલોજા જેલમાં અને શુભાંગીને થાણે જેલમાં રાખવામાં આવ્યા હતા.
આ કેસની સુનાવણી બેલાપુરની જિલ્લા અને વધારાની સત્ર અદાલત (કોર્ટ નં. 2)માં ન્યાયાધીશ માંડવગડે સમક્ષ ચાલી હતી, જ્યાં વધારાના સરકારી વકીલ તરીકે શશિકાંત ઇઘરે હાજર રહ્યા હતા.
શુક્રવારે જાહેર થયેલા ચુકાદામાં કોર્ટે બંને આરોપીઓ સામેના તમામ આરોપોને સાબિત ગણાવીને કડક સજા ફટકારી છે. આ ચુકાદો બાળ શોષણ અને માનવ તસ્કરી જેવા ગંભીર ગુનાઓ સામે કડક સંદેશ આપતો માનવામાં આવી રહ્યો છે.
