મુંબઈ પ્રતિનિધી. તા. 9
મહિલાઓ પરના જાતીય હુમલાના કેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલા ઠગબાબા અશોક ખરાટ સામે ચાલી રહેલી તપાસ હવે નાણાકીય દિશામાં વધુ ગંભીર બની છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ ખરાટના નાણાકીય વ્યવહારો અને રાજ્યભરમાં ₹100 કરોડથી વધુની સંપત્તિ સંબંધિત માહિતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને સોંપી છે. આ પગલાં બાદ ખરાટ સાથે જોડાયેલા નાણાકીય હિત ધરાવતા લોકો પણ તપાસના ઘેરામાં આવવાની શક્યતા છે.
SIT દ્વારા મંગળવારે પહેલીવાર આ બાબતે સત્તાવાર માહિતી આપવામાં આવી હતી. નાશિક અને અહિલ્યાનગર જિલ્લામાં ખરાટ સામે કુલ 12 કેસ નોંધાયેલા છે, જેમાંથી 9 કેસની તપાસ SIT કરી રહી છે. બાકીના 2 કેસ અહિલ્યાનગર પોલીસ અને 1 કેસ નાશિક શહેર પોલીસ સંભાળી રહી છે. ઉપરાંત, બે અન્ય સંબંધિત કેસોની પણ SIT દ્વારા તપાસ ચાલી રહી છે.
SITના વડા તેજસ્વી સાતપુતેના જણાવ્યા મુજબ, ED દ્વારા માંગવામાં આવેલી તમામ નાણાકીય વિગતો અને દસ્તાવેજો પૂરા પાડવામાં આવ્યા છે. હાલમાં તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે ખરાટના નાણાંના સ્ત્રોત, રોકાણ માધ્યમો અને સંભવિત નેટવર્ક શું છે.
મહિલા અત્યાચાર કેસમાં ફરિયાદીઓ અને સાક્ષીઓ પાસેથી મળેલા પુરાવાઓના આધારે સંભવિત સહ-આરોપીઓની પણ તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 30થી વધુ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. SITએ સ્પષ્ટ કર્યું છે કે પીડિતોમાં કોઈ સગીર સામેલ નથી.
સાથે જ, સાયબર ટ્રેકિંગ હેઠળ SITની ટીમે મહારાષ્ટ્ર સાયબરની મદદથી પીડિતોને લગતા વાંધાજનક વીડિયો અને સામગ્રીના 4,650 લિંક્સ દૂર કર્યા છે, જ્યારે 451 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ કાયમી રીતે બ્લોક કરવામાં આવ્યા છે. આ કેસમાં વાંધાજનક વીડિયો ફેલાવવાના આરોપસર નાશિકના સાતપુર અને અહિલ્યાનગરના કોપરગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં 6 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.
EDની એન્ટ્રી સાથે આ કેસમાં મોટા નામો સામે આવવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે, જેના કારણે રાજકીય અને વ્યાવસાયિક વર્તુળોમાં ચિંતા વધી રહી છે.
